૭ માસના અંતરાળ પછી ગંભીરા બ્રિજ ટુ-વ્હીલર્સ માટે ફરીથી ખૂલ્લો મૂકાયો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
02, એપ્રીલ 2026  |   વડોદરા   |   2079

વડોદરા અને આણંદ જિલ્લાને જાેડતા ગંભીરા બ્રિજનો એક ભાગ તૂટતા ૨૧ લોકોના મોત નિપજ્યા હતા.બ્રિજ તૂટ્યા બાદ અહીંથી રોજગારી માટે જતા લોકો માટે મોટું સંકટ ઊભું થયું હતું.બાદમાં રાજ્ય સરકારના આદેશથી અહીંયા ત્વરિત કામગીરી શરૂ કરવામાં આવી હતી અને તૂટેલા બ્રિજ પર લોખંડનો નવો સ્પાન લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.છેલ્લા સાત મહિનાથી આ બ્રિજ ઉપર વાહનવ્યવહાર બંધ હાલતમાં હતો, ત્યારે હવે આ સ્પાનના લોન્ચિંગની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરાતા બ્રિજ પર આજે ઓવરલોડ ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું.આ બ્રિજ આજથી ટુ વ્હીલર માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે.

આજે આ ગંભીરા બ્રિજનું ઓવરલોડ ટેસ્ટિંગ ટ્રેક્ટર દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં ઓવરલોડ ટ્રેકટર બ્રિજ પરથી પસાર કરવામાં આવ્યા હતા. જુના બ્રિજનું સંપૂર્ણ રીતે સમારકામ પૂર્ણ થતા આ બ્રિજને આજથી ખુલ્લો મૂકવા આવ્યો છે. આ બ્રિજ પર ટુ વ્હીલરો ચાલકો અને પગપાળા જતા લોકો ઉપયોગ કરી શકશે. ઓવરલોડ વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તૂટેલા ભાગ પર ૮૦ ટનનું સ્ટીલનું માળખું ગોઠવવામાં આવ્યું છે, જેના દ્વારા બ્રિજની કનેક્ટિવિટી કરી રોજગારી મેળવતા લોકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. આ બ્રિજ ક્ષતિગ્રસ્ત થવાને કારણે આસપાસના અનેક ગામોના લોકો અને ખાસ કરીને નોકરિયાત વર્ગને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો. વડોદરા નોકરી કરવા જતા તેમજ અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓએ પણ ભારે હાલાકી વેઠવી પડી હતી. આ બ્રિજ ઉપરથી નાના વાહનો માટેની આવનજાવન શરુ થાય તે માટેના પ્રયાસો શરુ કરવામાં આવ્યા હતા.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution