ભુજ-

અહીંના બેકીંગ સર્કલ પાસેથી પૂર્વ કચ્છ એસઓજીએ એક શખ્સને ભારતીય બનાવટની પિસ્તોલ સાથે ઝડપી પાડ્યો હતો. આરોપીના કબ્જામાંથી ૪ જીવતા કારતૂસ પણ મળી આવ્યા હતા. અલ્ટો કારમાં સવાર આરોપીને દબોચીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી મુજબ સરહદી રેન્જના પોલીસ મહાનિરિક્ષક જે.આર. મોથલિયા તેમજ પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક મયુર પાટીલની સૂચનાથી એસઓજી પીઆઈ વી.પી. જાડેજા, પીએસઆઈ બી.જે. જોષી સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ રામદેવસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે બેકીંગ સર્કલ પાસેથી એક અલ્ટો કાર ઝડપી પડાઈ હતી. જેમાં સવાર આરોપી મનીષ જગદીશ બજારણીયાને ઝડપી પડાયો હતો. આરોપીના કબ્જામાંથી ભારતીય બનાવટની રૂા.૧૦ હજારની કિંમતની એક પિસ્તોલ તેમજ ૪ જીવતા કારતૂસ કબ્જે કરાયા હતા. પોલીસે મુદ્દામાલ કબજે કરી આરોપી વિરૂધ્ધ ગાંધીધામ એ ડિવિઝન પોલીસ મથકે આર્મ્સ એકટ હેઠળ ગુનો રજીસ્ટ્રર કરાવતા આગળની તપાસ હાથ ધરી હતી.