લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
30, એપ્રીલ 2026 |
2871
લંબેહનુમાન રોડ પર આવેલી સ્ટેટ બેંકમાં બેખૌફપણે લૂંટ કરનાર ધાડપાડુ ટોળકીની ઓળખ કરવામાં પોલીસને સફળતા મળી છે. લૂંટારૂઓ રાકાયા હતાં એ સ્થળ પણ મળી આવતાં હવે તપાસે ગતિ પકડી હોવાનું જાણવા મળે છે. વરાછામાં લંબેહનુમાન રોડ ઉપર એફિલ ટાવરની બાજુમાં શક્તિ ટાવરમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની શાખા કાર્યરત છે. ૨૭મી એપ્રિલ, સોમવારે બપોરે એકથી બે વાગ્યા સુધી છ સશસ્ત્ર લૂંટારુઓએ બેન્કને બાનમાં લીધી હતી. લૂંટારૂ ટોળકીએ પિસ્ટલની અણીએ બેંકનાં સર્વિસ મેનેજર કિરણ પ્રકાશ ભોગે, કેશિયર અનિલ રાઠોડ, જુનિયર એસોસીએટ કાર્તિક પ્રજાપતિ ઉપરાંત ક્રેડિટ કાર્ડનું કામ કરતી રિદ્ધિબેન અને પ્યુન ગૌરવ ચૌધરી તથા એ.ટી.એમ.નો ગાર્ડ ગજેન્દ્ર પાટીલ ઉપરાંત બીજા છથી સાત ગાહકોને ધમકાવી રોકડા ૫૦ લાખની લૂંટ કરવામાં આવી હતી.
આ ટોળકીને સીસીટીવી ફૂટેજને આધારે ટ્રેક કરતા તેઓ ત્રણ બાઈક પર મોરાભાગળ તરફથી આવતા હોવાનું તથા સરથાણા શ્યામધામ થી વાલક જંક્શન થઈ ઉમરા વેલંજા તરફ જતાં ટ્રેક થયા હતા. સીસી કેમેરાના આધારે પોલીસની તપાસ સાયણ સુધી પહોંચી હતી. શહેર પોલીસ માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન બનેલી આ બેંક રોબરીનો ભેદ ઉકેલવા ક્રાઇમ બ્રાન્ચનાં પાંચ પીઆઇ અને દસ પીએસઆઇની ટીમ રાઉન્ડ ધ ક્લોક સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. આ લૂંટારૂઓને ઝડપી પાડવા માટે પોલીસ સીસી કેમેરા ફૂટેજના આધારે જ તપાસ કરી રહી છે. સીસી કેમેરા ફૂટેજમાંથી હાઈટેક
ટેકનોલોજી ઉપયોગથી પોલીસે સ્પષ્ટ ફોટા પણ કઢાવ્યા છે. આ ફોટોગ્રાફ ઉત્તર ભારતનાં તમામ રાજ્યોની પોલીસને તેનું સ્કેનિંગ માટે પણ આપ્યા હતા. સાથે જ લૂંટારૂ બેંક સુધી આવ્યા અને લૂંટ કરીને ભાગ્યા એ દિશાનાં કેમેરા ચેક કરવામાં આવી રહ્યા છે. અઢીસોથી વધું સીસી કેમેરા ચેક કરવા સાથે કરાઇ રહેલી તપાસમાં પોલીસને કેટલીક મહત્વની લીડ મળી હતી. આ લીડને ફોલો કરતા કરતા પોલીસે લૂંટારૂઓ રોકાયા હતાં એ સ્થળ શોધી કાઢ્યું હોવાનું જાણવા મળે છે. લૂંટારૂ ટોળકીના આશ્રયસ્થાન તથા આસપાસ કરાયેલી તપાસમાં તેઓની ઓળખ પ્રસ્થાપિત કરી શકાય એવી મહત્વની કરી પણ પોલીસ મેળવી શકી હોવાની માહિતી પણ મળી રહી છે. મહત્વના કડીના આધારે ક્રાઈમ બ્રાન્ચ ટૂંક સમયમાં જ લૂંટારૂઓ સુધી પહોંચી જશે એવો આશાવાદ પણ સૂત્રો દ્વારા વ્યક્ત કરાઈ રહ્યો છે.