યુવતીએ ફેક્ટરી માલિક સાથે મિત્રતા કરી 97 લાખ રૃપિયા ખંખેરી લીધા
18, સપ્ટેમ્બર 2025 અમદાવાદ   |   1683   |  

યુવતીએ મુંબઇમાં રહેતી હોવાનું અને ડાયવોર્સી હોવાનું કહીને પારિવારિક સંબધ બનાવીને જાળ બીછાવી

ઠગ યુવતીએ 4.61 કરોડનો નફો મેળવવા ૩૦ ટકા ટેક્સ પણ માંગ્યો

શહેરના વસ્ત્રાપુરમાં રહેતા અને પંપ બનાવવાની ફેક્ટરી ધરાવતા વ્યક્તિ સાથે ફેસબુકથી સંપર્ક કરીને મિત્રતા કેળવ્યા બાદ આર્થિક પરિસ્થિતિ અંગે તમામ વિગતો મેળવીને યુવતીએ ઓનલાઇન છેતરપિંડી આચરતી ગેંગ સાથે મળીને ૯૭ લાખ રૂપિયાની છેતરપિંડીકરી હોવાની ફરિયાદ સાયબર ક્રાઇમ ખાતે નોંધવામાં આવી છે. રોકાણ પર કુલ ૪.૬૧ કરોડનો નફો ઉપાડવાની સામે તે રકમ પર ૩૦ ટકા ટેક્સની માંગણી કરતા ફેક્ટરી માલિકને શંકા ગઇ હતી અને તપાસ કરતા છેતરાયાની જાણ થઇ હતી.

ઓનલાઇન છેતરપિંડી કરતી ગેંગ દ્વારા તેમના નાણાં પડાવી લેવામાં આવ્યા હતા

શહેરના વસ્ત્રાપુરમાં આવેલા સંસ્કૃતિ બંગલોઝમાં રહેતા ૫૪ વર્ષીય મનીષ પટેલ કઠવાડામાં પાણીના પંપ બનાવવાની ફેક્ટરી ધરાવે છે. ગત ૨૮મી જુલાઇના રોજ તેમને ફેસબુકમાં સીમા શર્મા નામની યુવતીની ફ્રેન્ડશીપ રીક્વેસ્ટ આવી હતી. ત્યારબાદ તે યુવતીએ મેસેજ કરીને સામાન્ય વાતચીત શરૂ કરી હતી અને ટેલીગ્રામ આઇડીની લીંક મોકલી હતી. યુવતીએ બે સપ્તાહ સુધી તેમની સાથે વાત કરીને પારિવારિક અને મિત્રતાના સંબધ કેળવીને જણાવ્યું હતું કે મુંબઇમાં રહે છે અને રીયલ એસ્ટેટનું કામ કરે છે. ત્યારબાદ સીમા શર્માએ તેના પિતા ઇન્વેસ્ટમેન્ટમાં ડેટા એનાલીસીસનું કામ કરે છે અને રોકાણની સામે સારૂ વળતર અપાવે છે. તેમ જણાવીને એક લીંક મોકલીને રોકાણ કરાવ્યાને નફો અપાવ્યો હતો. જેથી મનીષભાઇને વિશ્વાસ આવ્યો હતો. ત્યારબાદ તેમણે તબક્કાવાર ૯૭ લાખ જેટલી રકમ જમા કરાવી હતી. જે રોકાણની સામે તેમને એકાઉન્ટમાં ૪.૬૧ કરોડનો નફો જોવા મળ્યો હતો. જેથી તેમણે નફો વીથડ્રો કરવા માટે કહ્યું ત્યારે તેમને નફો લેવા માટે ૩૦ ટકા ટેક્સ ભરવાનું કહેવામાં આવતા મનીષભાઇને અજગતુ લાગતા તેમણે પરિચીત સીએને પુછ્યુ ત્યારે જાણવા મળ્યું હતું કે ે ઓનલાઇન છેતરપિંડી કરતી ગેંગ દ્વારા તેમના નાણાં પડાવી લેવામાં આવ્યા હતા. આ અંગે તેમણે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. જેમાં નાણાંકીય વ્યવહાર અંગેની વિગતો તપાસવામાં આવી રહી છે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution