મુંબઇ 

ધર્મા પ્રોડક્શન દ્વારા શૂટિંગ દરમ્યાન ગોવાના નેરુલ ગામે આવેલા બીચ પર PPE કિટ અને કચરો છોડી આવવા બદલ ગોવા સરકાર નારાજ છે. ગોવાના વેસ્ટ મેનેજમેન્ટ મિનિસ્ટર માઈકલ લોબોએ કહ્યું છે કે પહેલાં તો ધર્મા પ્રોડક્શનના માલિક કરણ જોહર અથવા પછી ડિરેક્ટર માફી માગે, જો આવું નહીં કરે તો તેમને દંડ ફટકારવામાં આવશે.

લોબોએ કહ્યું- આવું કાર્ય કરવા માટે ધર્મા પ્રોડક્શને ગોવાની જનતા પાસે ફેસબુક પર માફી માગવી જોઈએ. તમે લખો કે આ ભૂલ હતી અને તેને સ્વીકારો. જો આવું નહીં કરે તો ધર્મા પ્રોડક્શન પર ગોવાના વેસ્ટ મેનેજમેન્ટ તરફથી દંડ લગાવવામાં આવશે.

કંગના રનૌતે આ મુદ્દો ટ્વિટર પર ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે આ રીતે બીચ પર કચરો ફેલાવવાથી પર્યાવરણને નુકસાન થાય છે. આ ટ્વીટ પર ધર્મા પ્રોડક્શન તરફથી હાયર કરવામાં આવેલા પ્રોડ્યુસર દિલીપ બોરકરે કહ્યું હતું કે નેશનલ અવોર્ડ જીતનારી એક્ટ્રેસને ગ્રાઉન્ડ રીયાલિટી નથી ખબર. ત્યાં શું થયું હતું, કંગનાને કઈ ખબર નથી. તે ગોવાનું નામ ખરાબ કરી રહી છે અને તે ખોટું છે.

બોરકરે કહ્યું હતું કે, આ અમારું નામ ખરાબ કરવાના પ્રયાસ છે. મને નથી ખબર કે આવું શું કામ કરવામાં આવી રહ્યું છે. બની શકે છે કે ધર્મા પ્રોડક્શન આમાં ઇન્વોલ્વ છે અને કરણ જોહરનું નામ આની સાથે જોડાયેલું છે માટે આવું કરવામાં આવી રહ્યું હોય.