વડોદરા, તા.૨૬

વડોદરાની સેન્ટ્રલ જેલમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા ગોધરાકાંડનો મુખ્ય સૂત્રધાર મનાતો હાજી બિલાલને છાતીમાં દુઃખાવો અને શ્વાસોશ્વાસની તકલીફના કારણે સયાજી હોસ્પિટલમાં સારવાર માટે લવાયો હતો, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન આજે વહેલી સવારે તેનું મોત થયું હતું. પોલીસ વિભાગે કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરી મૃતદેહને પોસ્ટ મોર્ટમ કરાયા બાદ પરિવારજનોને સોંપાવામાં આવ્યો હતો. આ અંગે મળતી વિગત અનુસાર ૨૦૦૨માં સાબરમતી એક્સપ્રેસ ટ્રેનમાં કારસેવકો આવી રહ્યા હતા તે વખતે ટ્રેન ગોધરા રેલવે સ્ટેશન પર આવી પહોંચ્યા બાદ કટ્ટરપંથી મુસ્લિમ જૂથે કોચના દરવાજા બંધ કરી કોચને સળગાવી દેતાં આ જઘન્ય કૃતમાં ૯૦ જેટલા કારસેવકો જીવતા ભૂંજાઈ ગયા હતા. આ ઘટના બાદ સમગ્ર દેશમાં કોમી હિંસા ફાટી નીકળી હતી. આ કાંડનો માસ્ટર માઈન્ડ ગણાતો હાજી બિલાલ ઈસ્માઈલ અબ્દુલ સુજેલા (ઉં.વ.૬૧) સહિત અન્ય આરોપીઓને પોલીસ દ્વારા કોર્ટમાં રજૂ કરી હાજી બિલાલને ફાંસીની સજા ફટકારી હતી, તે બાદ હાઈકોર્ટે તેની સજા આજીવન કેદમાં બદલી હતી, જેથી તે વડોદરા ખાતેની સેન્ટ્રલ જેલમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યો હતો. આ દરમિયાન તેને ગત તા.રરમીના રોજ છાતીમાં દુઃખાવાની તેમજ શ્વાસોશ્વાસની તકલીફ જણાતાં જેલના સત્તાવાળાઓને ફરિયાદ કરતાં તેને રિફર મેમા સાથે સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લવાયો હતો, જ્યાં ફરજ પરના તબીબોએ સારવાર હાથ ધરી હતી. તેને આઈસીયુમાં ઓક્સિજન સપોર્ટ ઉપર રાખવામાં આવ્યો હતો. આ દરમિયાન તેનું આજે વહેલી સવારે મોત નીપજ્યું હતું. હાજી બિલાલનું મોત નીપજતાં પરિવારજનોને જાણ કરવામાં આવતાં પરિવારજનો હોસ્પિટલમાં દોડી આવ્યા હતા. મૃતદેહને પોસ્ટ મોર્ટમ કર્યા બાદ પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો.

ગોધરાકાંડના આરોપી હાજી બિલાલનું મોત નીપજતાં તબીબોએ જેલના સત્તાવાળાઓને જાણ કરતાં આ અંગે રાવપુરા પોલીસને જાણ કરવામાં આવી હતી. રાવપુરા પોલીસે કાનૂની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મૃતદેહને દફનવિધિ માટે પરિવારજનોને સોંપ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, ૨૭ ફેબ્રુઆરી ૨૦૦૨ના રોજ ગોધરામાં સાબરમતી એક્સપ્રેસ ટ્રેનના કોચને સળગાવવાના મામલે ટ્રાયલ કોર્ટે હાજી બિલાલ સહિત ૧૧ આરોપીઓને ફાંસી અને અન્ય ર૦ આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી હતી.