દિલ્હી-

કોરોના વૈશ્વિક મહામારીમાં શાળા તેમજ કોલેજો બંધ છે ત્યારે શિક્ષકો ઓનલાઈન માધ્યમથી પણ વિદ્યાર્થીઓને શિક્ષણ પુરું પાડી રહ્યા છે. શિક્ષણના આ બદલાયેલા સ્વરૂપને પણ ગૂગલે ખાસ ડૂડલમાં રજૂ કર્યું છે. ટીચર્સ ડેના અવસરે ગૂગલ ડૂડલમાં પુસ્તકો, લેપટોપ, ફૂટપટ્ટી, ફળ, બલ્બ, શાળાનો ઘંટ, પેન્સિલ, કલર કરવા માટેનું બોર્ડ, પતંગીયું વગેરેને દર્શાવવામાં આવ્યા છે. 

ભારતના બીજા રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણની જયંતિ પર શિક્ષક દિવસ ઉજવવાં આવે છે. દર વર્ષે 5 સપ્ટેમ્બરના શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવે છે જેમાં રાજ્ય અને કેન્દ્ર દ્વારા શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન કરવામાં આવે છે. 1962માં ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણ રાષ્ટ્રપતિ હતા ત્યારે કેટલાક જૂના વિદ્યાર્થીઓ તેમને મળવા આવતા હતા ત્યારે તેમણે એવી ઈચ્છા વ્યક્ત કરી હતી કે તેમનો જન્મદિવસ શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવે તો તે સમ્માનની વાત ગણાશે. ત્યારથી લઈને અત્યાર સુધી દેશમાં દર વર્ષે 5 સપ્ટેમ્બરના શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

સમગ્ર દેશમાં આજે 5 સપ્ટેમ્બરના શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. શિક્ષકોની પ્રતિબદ્ધતાને બિરદાવતા આ દિવસ પર સર્ચ એન્જિન જાયન્ટ ગૂગલે પણ કોઈ કચાસ છોડી નથી. ગૂગલ દરેક ખાસ દિવસ ઉપર તેના હોમ પેજ પર ડૂડલ બનાવીને યાદ કરે છે. ગુગલે ખાસ અંદાજમાં શિક્ષક દિવસને યાદ કરતા એક ડૂડલ બનાવ્યું છે.