મુંબઇ  

આ ડૂડલને પાર્વતી પિલ્લઈ નામની કલાકારે બનાવ્યું

ગૂગલે દિવંગત ભારતીય એક્ટ્રેસ ઝોહરા સહગલનું ડૂડલ બનાવીને સન્માન આપ્યું છે. આ ડૂડલમાં ફૂલોની વચ્ચે ઝોહરાને ડાન્સ કરતાં બતાવવામાં આવ્યા છે. આ ડૂડલને પાર્વતી પિલ્લઈ નામની કલાકારે બનાવ્યું છે.  

ઝોહરાની ફિલ્મ 'નીચા નગર'ને આજના જ દિવસે 1946માં કાન ફિલ્મ ફેસ્ટિવલમાં રિલીઝ કરવામાં આવી હતી. આ ફિલ્મે કાન ફિલ્મ ફેસ્ટિવલનું સર્વોચ્ચ સન્માન પાલ્મે ડી'ઓર અવોર્ડ જીત્યો હતો. ઝોહરાએ 1935માં નૃત્યાંગના તરીકે કરિયરની શરૂઆત કરી હતી. સાત દાયકા સુધી હિંદી સિનેમામાં પોતાનું યોગદાન આપનાર ઝોહરાની છેલ્લી ફિલ્મ 2007માં આવેલી 'સાંવરિયા' હતી. 10 જુલાઈ, 2014ના રોજ હાર્ટ અટેકને કારણે તેમનું નિધન થયું હતું. તેમની ઉંમર 102 વર્ષની હતી.

ઝોહરા સહગલનો જન્મ 27 એપ્રિલ, 1912ના રોજ ઉત્તર પ્રદેશના સહારનપુર શહેરના રોહિલ્લા પઠાણ પરિવારમાં થયો હતો. તેઓ મુમતાઝુલ્લા ખાન તથા નાતીક બેગમના સાત સંતાનોમાં ત્રીજા નંબરે હતા. તેમનું નાનપણ ઉત્તરાખંડના ચકરાતામાં પસાર થયું હતું.   14 ઓગસ્ટ, 1942ના રોજ ઝોહરાના લગ્ન પેઈન્ટર, ડાન્સર તથા સાયન્સિટ કામેશ્વર સહગલ સાથે થયા હતા. તેમને બે સંતાનો હતાં, જેમાં દીકરી કિરણ તથા દીકરો પવન છે. ઝોહરા અંતિમ દિવસોમાં દીકરી સાથે રહેતાં હતાં. 

વર્ષ 2012માં દીકરી કિરણે 'ઝોહરા સહલઃ ફૈટી' નામથી બુક લખી હતી. ઓડિસ્સી નૃત્યાંગના કિરણે દુઃખ વ્યક્ત કરતાં કહ્યું હતું કે અંતિમ દિવસોમાં તેમની માતાને સરકારી ફ્લેટ પણ મળ્યો નહોતો. તેઓ હંમેશાં એનર્જીથી ભરપૂર રહેતાં હતાં.