લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
19, માર્ચ 2026 |
2178
સુરત : પૌરાણિક કથાવાર્તા મુજબ એક ગામમાં નાગ લોકોને ડંખ મારતો હોવાથી લોકો ભયભીત બની ગયાં હતાં, ગામમાં આવેલાં એક ઋષિમુનિને લોકોએ ફરિયાદ કરતાં તેમણે નાગને ડંખ નહીં મારવા આદેશ આપ્યો. થોડાં સમય પછી ઋષિમુનિ ફરી ગામમાં આવ્યાં ત્યારે નાગે તેમને ફરિયાદ કરી કે ગામનાં છોકરાંઓ તેને પથ્થર અને લાકડીથી મારે છે. ઋષિમુનિએ નાગને તુર્ત જ કહ્યું કે મેં તને ડંખ મારવા ના પાડી હતી ફૂંફાડો મારવાથી થોડો રોક્યો હતો. કથાવાર્તાનો સારાંશ એ છે કે, જેની જેવી ફિતરત છે, સ્વભાવ છે તે તો યથાવત રાખવો જ જાેઇએ. લીસનું મુખ્યકાર્ય કાયદો અને વ્યવસ્થા જાળવવાનું છે, લોકો સલામતિનાં અહેસાસ સાથે નિશ્ચિંતપણે હરી ફરી શકે તેવી સુરક્ષા પુરી પાડવાનું છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી જાેવાયું છે કે, સુરતનાં પોલીસ સત્તાધીશો પોતાની પ્રાથમિક જવાબદારીથી ભટકીને સોશિયલ પોલિસિંગનાં રવાડે ચઢી ગયાં છે. પોલીસ અધિકારીઓ જાણે ઋજુ હૃદયનાં બની ગયા હોય તેમ ઉત્તરાયણે ગરીબ બાળકોને પતંગ વિતરણ કરવા કે ઉનાળામાં પક્ષીઓ માટે કુંડાનું વિતરણ કરવું કે વિકલાંગ બાળકોને મીઠાઇ અને કપડાં વહેંચવા, વૃદ્ધોને સામાજિક સહાય કરવા જેવી પ્રવૃત્તિઓ તરફ વળી સમાજ સેવાનાં કાર્યો તરફ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યાં છે અને બીજીતરફ ગુંડાઓ સુરત શહેરમાં બેફામ બની ગયાં હોવાથી સુરત શહેર ક્રાઇમ કેપિટલ બની રહ્યું છે અને બીજીતરફ પોલીસ આરોપીઓનાં માત્ર વરઘોડા કાઢીને રીલ્સ બનાવી સોશિયલ મીડિયામાં પોતાની સિંઘમની ઇમેજ બિલ્ટઅપ કરી રહી છે. નાયબ મુખ્યમંત્રીએ ગુંડાઓની ટાંટિયાતોડ સર્વિસ કરવાનું જાહેરમાં સમર્થન કરીને પોલીસને ખુલ્લી છુટ આપી છે પરંતુ સુરતનાં પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત છેલ્લા કેટલાક સમયથી સોશિયલ પોલિસિંગનાં રસ્તે ચાલી રહ્યાં હોવાથી શહેરીજનોમાં પણ સુરત પોલીસ તંત્રની ઇમેજને લઇ મીમ્સ બની રહ્યાં છે કે પોલીસ કમિશનર જાણે સાંસદ તેમનાં ઉચ્ચાધિકારીઓ ધારાસભ્ય અને પોલીસ ઇન્સ્પેક્ટરો કોર્પોરેટરો હોય તેમ લોકોની સામાજિક સેવા કરી રહ્યાં છે. પોલિસની સામાજિક સેવાઓ વચ્ચે સુરતમાં ગુંડાગીરી અને ગુનાખોરી માઝા મૂકી રહી છે. માત્ર અઢી મહિનામાં જ સુરત શહેરમાં હત્યાનાં ૨૫ બનાવો બની ચૂક્યાં છે. શહેરમાં ચપ્પુ, તલવાર સાથે હુમલા કરવાનાં, હત્યા કરતાં ગુંડાઓ ખચકાટ કે ગભરાટ અનુભવતા નથી. કેન્દ્રીય મંત્રી સી.આર.પાટિલનાં સમર્થકની સરાજાહેર દિનદહાડે કરપીણ હત્યા થતી હોય તેમ છતાં પોલીસ ભાજપનાં જ નેતા અમીતસિંગ રાજપુતનાં સમર્થક અને હત્યામાં સંડોવાયેલાં મનાતા આરોપીનાં નામોનો એફ.આઇ.આર.માં ઉલ્લેખ ના કરે તે સુરત પોલીસની માનસિકતા દર્શાવે છે. પોલીસે ગુંડાઓ ઉપર હાક અને ધાક ગુમાવી દીધો છે તેની પાછળ ડીસીબી જેવી પ્રીમિયમ એજન્સીની નિષ્ક્રિયતા અને નિષ્ફળતા પણ જવાબદાર છે. ડીસીબીમાં ચુનંદા અધિકારીઓ અને ગુનાખોરીની દુનિયાનું સારામાં સારૂ નેટવર્ક ધરાવતો સ્ટાફ છે તેમ છતાં છેલ્લા ઘણા સમયથી ઉચ્ચસ્તરીય ડીટેક્શનનાં નામે કોઇ નોંધપાત્ર કામગીરી ડીસીબીની જણાઇ નથી.