વડોદરા, તા.૩૧

વડોદરા સ્થિત પંડિત દીનદયાળ ઉપાધ્યાય હોલ ખાતે આદિજાતિ વિકાસ અને આરોગ્ય પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી નિમિષાબેન સુથારે સુશાસન સપ્તાહ કાર્યક્રમ અંતર્ગત ગ્રામ વિકાસ અને પંચાયત વિભાગના સુશાસન દિનનો પ્રારંભ કરાવ્યો હતો.તેમણે જણાવ્યું હતું કે, દરેક જિલ્લા અને તાલુકામાં ઓક્સિજન મળે તેવુ આયોજન કરવામાં આવશે. એરપોર્ટ પર દરેક વ્યક્તિનું સ્કેનિગ કરવામાં આવશે. બાળકોને રસી આપવા માટે રાજ્ય સરકાર સજ્જ છે. જે સ્કૂલમાં કોરોના આવે છે, એ સ્કૂલમાં આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવે છે. અને આજુબાજુમાં ધન્વંતરી રથ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવશે.

ગ્રામ્ય વિસ્તારમાં શહેરી સુવિધા મળી રહે તેવા વિકાસ કાર્યો રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવ્યા છે. વિકાસકાર્યો થકી પ્રજા અને સરકાર વચ્ચે વિશ્વાસનો સેતુ સ્થપાયો છે. ભારતની પ્રગતિમાં ગામડાઓનો સિંહફાળો છે. ગ્રામ્ય વિસ્તારમાં સંગઠન, એકતા અને સૌહાર્દથી સમસ્યાઓનું સાથે મળી નિવારણ લાવવામાં આવે છે. પ્રજાના હિત માટે તથા પ્રજાલક્ષી શાસન હોવું જાેઇએ તેવી અટલજીની ભાવના હતી. આ ભાવનાને વડાપ્રધાન અને મુખ્યમંત્રીએ સાકાર કરી છે. મહિલાઓને આર્થિક રીતે પગભર કરવા અને લોકહિત માટે રાજ્ય સરકારે વિકાસલક્ષી યોજનાઓ અમલી કરી છે. રાજ્યમંત્રી નિમિષાબેન સુથારે ગ્રામ વિકાસ વિભાગના સુશાસન દિન નિમિત્તે જિલ્લામાં કુલ રૂ.૯,૭૦,૨૧,૦૦૦ના કુલ ૮૪૯ કામોનું ખાતમુહૂર્ત તેમજ રૂ.૪,૮૪,૯૦,૦૦૦ના કુલ ૩૬૯ કામોનું લોકાર્પણ કર્યું હતું. આમ વડોદરા જિલ્લાને રૂ.૧૪,૫૫,૧૧,૦૦૦ના ખર્ચે ૧,૨૧૮ વિકાસકામોની ભેટ મળી છે.