ન્યૂ દિલ્હી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના પ્રધાનમંડળના વિસ્તરણની સંભાવનાઓ વચ્ચે રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે અનેક રાજ્યોના રાજ્યપાલો બદલ્યા છે. કેન્દ્રીય પ્રધાન થાવરચંદ ગેહલોતને કર્ણાટકનો રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે કર્ણાટક, મધ્યપ્રદેશ અને હિમાચલ સહિત આઠ રાજ્યોમાં નવા રાજ્યપાલોની નિમણૂક કરી છે.

મોદી કેબિનેટના વિસ્તરણ પહેલા રાજસ્થાનના દલિત નેતા અને સામાજિક ન્યાય અને અધિકારીતા પ્રધાન થાવરચંદ ગેહલોતની કર્ણાટકના રાજ્યપાલ તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત મિઝોરમના રાજ્યપાલ તરીકે હરિ બાબુ કંભમપતિની નિમણૂક કરવામાં આવી છે અને મંગુભાઇ છગનભાઇ પટેલની મધ્યપ્રદેશના રાજ્યપાલ તરીકે નિમણૂક કરવામાં આવી છે.

રાજેન્દ્રન વિશ્વનાથ આર્લેકરની હિમાચલ પ્રદેશના રાજ્યપાલ તરીકે નિમણૂક કરવામાં આવી છે. મિઝોરમના રાજ્યપાલ પીએસ શ્રીધરન પિલ્લઇને ગોવાના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. હરિયાણાના રાજ્યપાલ સત્યદેવ નારાયણ આર્યને ત્રિપુરાનો રાજ્યપાલ બનાવવામાં આવ્યો. ત્રિપુરાના રાજ્યપાલ રમેશ બેસને ઝારખંડના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત બાંદારુ દત્તાત્રેયની હરિયાણાના રાજ્યપાલ તરીકે નિમણૂક કરવામાં આવી છે.