રાજપીપળા, તા.૨૦

ભારત સરકારનાં કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ નર્મદા જિલ્લામાં છેલ્લા બે દિવસથી વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં ગ્રામ્ય વિસ્તારોમાં ફરી રહ્યા છે. ગત રોજ નાંદોદ તાલુકાના ટંકારી ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં ઉચ્ચ અધિકારીઓ ગેરહાજર રહેતા તેઓ રોષે ભરાયાં હતાં અને હાજર રહેવા ટકોર કરી હતી. જાે કે એમની આ ટકોર બાદ નાંદોદ તાલુકાના જીયોરપાટી ગામ ખાતેની વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં નર્મદા કલેકટર શ્વેતા તેવટીયા અને ડી.આર.ડી.એ વિભાગના અધિકારી હાજર રહ્યા હતા.

નાંદોદ તાલુકાના જીયોરપાટી ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં મંત્રી દેવુંસિંહ ચૌહાણને ગ્રામજનોએ સરકારી કર્મીઓની ફરિયાદ કરી હતી. ગામની મહિલા મીનાબેન માછીએ જાહેરમાં કહ્યું હતું કે - સાહેબ હું છેલ્લાં એક મહિનાથી આવકના દાખલ માટે ધક્કા ખાઉં છું.ત્યારે મંત્રી દેવુંસિંહ ચૌહાણે ગામના તલાટીનો જાહેરમા ઉધડો લીધો હતો કે તમારી માતા બીમાર હોય તમારા ખિસ્સામાં પૈસા ન હોય તમને આવકના દાખલા માટે ધક્કા ખાવા પડે તો તમે શું કરો? મારે સરકારી જવાબ નથી સાંભળવો. આ બેનને તાત્કાલિક દાખલો મળી જવો જાેઈએ. તમારામાં ગરીબો પ્રત્યે જરાય લાગણી જ નથી.

દરમિયાન મંચ પર હાજર નર્મદા કલેક્ટર શ્વેતા તેવટીયાને દેવુંસિંહ ચૌહાણે પુછ્યું મેડમ જિલ્લામાં આવકના દાખલાની કેટલી પેન્ડન્સી છે તમને ખબર છે, આ બધુ કોણ જાેશે? દેવુંસિંહ ચૌહાણે કહ્યું કે સરકારી નોકરીને સેવા કહેવાય, તમારી અંદર સેવાનો ભાવ જ ન હોય તો કલેક્ટર સહિત મોટાં અધિકારીઓ પગાર તો લે પણ સેવા ન કરે તો ગરીબ બિચારો ક્યાં જાય. છેલ્લા બે દિવસથી હું આ જિલ્લાના ગામડાઓમાં ફરું છું પણ રથમાં બતાવવામાં આવતી ફિલ્મ બરાબર ચાલતી જ નથી, તમે તાત્કાલિક એનો કોન્ટ્રાક્ટ રદ કરી નવો રથ તૈયાર કરાવો. મારી ૨૦ વર્ષની કારકિર્દીમાં આ જિલ્લામાં જ બેફિકર અધિકારીઓનું નબળુ કામ જાેયું છે, કોઈને કશી પડેલી જ નથી.