ઘાણીખુટમાં મોટરસાઈકલ-જેસીબી વચ્ચે ગોઝારો અકસ્માત ઃ ૪નાં સ્થળ ઉપર મોત
27, એપ્રીલ 2022

સુખસર, તા.૨૬

ઘાણીખુટ ગામે આજરોજ સાંજના પાંચેક વાગ્યાના અરસામાં ઝાલોદ થી સુખસર જતાં હાઈવે માર્ગની બાજુમાં ઘાણીખુટ ગામે નવીન બનાવવામાં આવેલ શોપિંગ સેન્ટર આગળ માટી પુરાણ કરતા જેસીબીના ચાલકે બેદરકારીથી કામ કરતા હાઈવે માર્ગ ઉપરથી પસાર થઇ રહેલા મોટરસાયકલ સવાર એક જ પરિવારના ૬ સભ્યોને જેસીબીનો આગળનો ભાગ વાગતા ઘટનાસ્થળે બે પુત્રો સહિત તેના પિતાનું મોત નિપજવા પામ્યું હતું.જ્યારે ઇજાગ્રસ્ત ત્રણને સુખસર સરકારી દવાખાનામાં લઇ જવામાં આવ્યા હતા.જ્યાં મૃતકના પત્નીનું પણ મોત નિપજયુ હોવાનું જાણવા મળે છે.જ્યારે ૧૦ વર્ષિય પુત્રીની હાલત નાજુક હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.તેમજ એક ૮ વર્ષીય પુત્રીને સામાન્ય ઇજા પહોંચી હોવાનું જાણવા મળે છે.

     જાણવા મળેલી વિગતો મુજબ ઝાલોદ તાલુકાના ધારાડુંગર ગામના સંજયભાઈ ખડિયા તથા તેમનો પરિવાર વતનથી મોટરસાયકલ ઉપર બહારગામ મજૂરી અર્થે જવા નીકળ્યા હતા.અને તેઓ ઝાલોદ થી સુખસર તરફ આવી રહ્યા હતા.તેવા સમયે ઘાણીખુટ ગામે હાઈવે માર્ગની બાજુમાં નવીન બનાવવામાં આવેલ શોપિંગ સેન્ટરનુ પુરાણ કરી રહેલ જેસીબીના ચાલકે પોતાના કબજાના વાહન ઉપર લાપરવાહીથી કામગીરી કરતા હાઈવે માર્ગ ઉપરથી ૨ પુત્રો તથા ૨ પુત્રીઓ સહિત પત્ની સાથે પસાર થઇ રહેલા પરિવાર ઉપર જેસીબીનો આગળનો ભાગ મોટરસાયકલ સવાર પરિવાર ઉપર ત્રાટકતા ૨ પુત્રો સહિત ૨ પુત્રીઓ અને પત્નીને ગંભીર ઇજાઓ પહોંચવા પામી હતી.તેમાં ૨ પુત્રો અને તેના પિતા સંજયભાઈ ખડિયાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યુ મોત નીપજયું હતું. જ્યારે સંજયભાઈના પત્ની કમળાબેન સંજયભાઈ ખડિયા ઉંમર વર્ષ ૩૫, પુત્રી રંજનબેન સંજયભાઈ ખડીયા, ઉંમર વર્ષ ૧૦ ને ગંભીર ઇજાઓ પહોંચી હતી.જ્યારે મધુબેન સંજયભાઈ ખડિયા ઉંમર વર્ષ ૮ ને હાથે સામાન્ય ઈજા પહોંચી હતી. જેથી કમળાબેન,રંજનબેન તથા મધુબેનને તાત્કાલિક ૧૦૮ દ્વારા સુખસર સરકારી દવાખાનામાં લઇ જવામાં આવ્યા હતા.જ્યાં કમળાબેન ખડીયાનુ મોત નિપજવા પામેલ હોવાનું જાણવા મળે છે.જ્યારે રંજનબેનની હાલત નાજુક છે.જ્યારે મધુબેનની સારવાર હાલમાં ચાલી રહી છે.

     આમ જ એક જ પરિવારના મોટરસાયકલ સવાર લોકોને જેસીબીના ચાલકની બેદરકારીથી કમાટી ભર્યા મોત નિપજતા ઘટનાસ્થળ સહિત મૃતકના ગામમાં હાહાકાર મચી જવા પામ્યો હોવાનું જાણવા મળે છે જ્યારે જેસીબી ચાલક ઘટના સ્થળે પોતાના કબજાના વાહનને મૂકી ભાગી છુટયો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution