સાબરકાંઠા,તા.૧  

હિંમતનગરના બાયપાસ પાસેથી પસાર થતી હાથમતી નદીમાં બુધવારના રોજ યુવકનું ડૂબી જવાથી તેનું મોત થયું હતું. નદીમાં ન્હાવા પડેલો યુવક અચનાક જ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો.ત્યારબાદ તેનો પતો લાગ્યો નહોતો. ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગના કાફલાને બોલાવી અને તરવૈયાઓની નદીમાં ઉતારવામાં આવ્યા હતા. હિંમતનગરમાં બાયપાસ પાસેથી હાથમતી નદી પસાર થાય છે. હાલમાં ચોમાસા પહેલાં નદીમાં ખાસ પાણી નથી છતાં નદી ઉંડી છે અને શેવાળ જામેલું છે. તેવામાં આજે હિંમતનગર માં માસીના ઘરે લગ્નપ્રસંગે કલાલોથી આવેલો એક યુવક ન્હાવા માટે પડ્‌યો હતો. દરમિયાન નદીમાં પડેલા ૨૫ વર્ષીય યુવકનો પતો ન પડતા તેની શોધખોળ આદરવામાં આવી હતી. ફાયર બ્રિગેડે દોરડા અને લાકડીઓની મદદથી રેસ્ક્યૂ એને શોધખોળ આૅપરેશન હાથ ધર્યુ હતું. ફારય બ્રિગેડના લાશ્કરો સેફિ્‌ટ જેકેટ પહેરીને નદીમાં ઉતર્યા હતા અને લાપતા રવિને શોધવા માટે નદીને ખૂંદી મારી હતી. જોકે, પાણીમાં ગરકાવ થઈ ગયેલો રવિ સહેલાઈથી મળ્યો નહોતો. ફાયર બ્રિગેડના લાશ્કરો હાથમતી નદીની ટેકનિકલ બાબતથી વાકેફ હતા એટલે તેમણે દોરડાઓ અને લાકડીઓ વડે નદીના સેવાળ અને લીલમાં શોધખોળ શરૂ કરી હતી. દરમિયાન બે કલાકની શોધખોળના અંતે નદીના પાણીમાં ડૂબી ગયેલો રવિ મળી આવ્યો હતો. જોકે, તેના શરીરમાં પ્રાણપંખેરૂં ઉડી ગયું હતું. નદીનું પાણી ઘુસી જવાથી તેના શ્વાસ રૂંધાઈ ગયા હશે તેવું અનુમાન હતું. આખરે ફાયર બ્રિગેડના જવાનોએ ૨૫ વર્ષના રવિ સલાટના મૃતદેહને નદીમાંથી બહાર કાઢ્યો હતો. આમ એક પરિવારના લગ્નપ્રસંગમાં માતમ છવાયો હતો. માસીના દીકરાના લગ્નમાં આવેલા રવિને હાથમતી નદીના પાણીએ કાળનો કોળિયો બનાવી નાખ્યો હતો.