વડોદરા : શહેરના અક્ષરચોકથી સનફાર્મા રોડ ઉપર આવેલી વસાહતમાં એક જ કોમના બે ટોળાંએ સામ-સામે આવી જઈ હુમલો કરતાં સમગ્ર વિસ્તારમાં ગભરાટનો માહોલ ફેલાયો હતો. પોલીસને જાણ થતાં પહોંચેલી પોલીસે ટોળાં વિખેરવાનો પ્રયાસ કરતાં પોલીસ ઉપર પણ હુમલો કરાયો હતો અને બાઈકને આગ ચાંપી હતી. પીસીઆર વાન ડ્રાઈવરને પણ ફ્રેકચર થતાં દોડી આવેલા પોલીસના કાફલાએ માંડ માંડ મામલો શાંત પાડયો હતો. આ બનાવ અંગે રાયોટિંગ અને સરકારી કામકાજમાં રૂકાવટ એમ બે ગુનાઓ નોંધી પોલીસે તપાસ હાથ ધરી છે. 

શહેરના સનફાર્મા રોડ ઉપર ઝાડેશ્વરનગર યુએલસી વસાહતમાં મોડી રાત્રે જૂથ અથડામણ થઈ હતી. આ બનાવ દરમિયાન પસાર થઈ રહેલી જે.પી.રોડ પોલીસ મથકની પીસીઆર વાન સ્થળ પર ઉપર પહોંચી મામલો થાળે પાડવાનો પ્રયાસ કરતાં ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસ ઉપર પથ્થરમારો કર્યો હતો અને એક પોલીસ જવાનની બાઈકને આગ ચાંપી દીધી હતી. પોલીસ ઉપર કરાયેલા આ હુમલામાં પીસીઆર વાનના એએસઆઈને હાથમાં ફ્રેકચર થઈ ગયું હતું. મોડી રાત્રે બનેલા આ બનાવ બાદ વસાહતમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. પોલીસે આરોપી વિકાસ કાલીદાસ ઓગાણિયા અને રાજ કાલીદાસ ઓગણિયા સહિત ૧૨ થી ૧૫ લોકોના ટોળાં સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.વડોદરાના જે.પી.રોડ પોલીસ સ્ટેશનની હદમાં અક્ષરચોકથી સનફાર્મા રોડ ઉપર જવાના માર્ગ ઉપર ઝાડેશ્વરનગર યુએલસી વસાહતમાં મોડી રાત્રે બે જૂથ વચ્ચે ઝઘડો ચાલી રહ્યો હતો, તે દરમિયાન પેટ્રોલિંગ કરી રહેલી જે.પી.રોડ પોલીસ સ્ટેશનની પીસીઆર વાન વસાહતમાં ચાલી રહેલા ઝઘડાનો અવાજ સાંભળીને ઊભી થઈ ગઈ હતી અને આ મામલો થાળે પાડવા માટે પહોંચી હતી. જાે કે, પોલીસ કંઈ વિચારે એ પહેલાં જ ઝઘડો કરી રહેલા ટોળાંએ પોલીસ ઉપર પથ્થરમારો શરૂ કરી દીધો હતો. આ ઉપરાંત ઉશ્કેરાયેલા ટોળાંએ પોલીસ ઉપર હુમલો કર્યો હતો અને એલઆરડી જવાન દેવેન્દ્રભાઈની બાઈકને આગ ચાંપી દીધી હતી. પોલીસ ઉપર કરવામાં આવેલા પથ્થરમારામાં અને હુમલામાં પીસીઆર વાનના એએસઆઈ વિનોદભાઈને હાથમાં ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત એએસઆઈને તરત જ નજીકની ખાનગી ઓર્થોપેડિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. આ હુમલામાં તેઓને હાથમાં ફ્રેકચર થયું હોવાનું તબીબોએ જણાવ્યું હતું.મંગળવારે સવારે ખોડિયારનગરમાં દેવીપૂજક સમાજનો ઉત્સવ ઉજવાયો હતો. આ ઉત્સવમાં મોટી સંખ્યામાં સમાજના લોકો ઉમટી પડયા હતા. કોવિડ-૧૯ની ગાઈડલાઈનના ધજાગરા ઉડાડતા ઉત્સવ અંગે પોલીસે સમાજના આયોજકો સહિત પ૦ જેટલા લોકો સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. આ ઉપરાંત પોલીસે આ ઉત્સવમાં જાેડાયેલા સમાજના લોકોને ઝડપી પાડવા માટે કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે અક્ષરચોકથી સનફાર્મા રોડ ઉપર આવેલ ઝાડેશ્વરનગર યુએલસી વસાહમાં મોટી સંખ્યામાં દેવીપૂજક સમાજના લોકો રહે છે. આ સમાજના લોકોને ખોડિયારનગરના ઉત્સવના બનાવના સંદર્ભમાં પોલીસ પકડવા માટે આવી હોવાનું અનુમાન લગાવી પોલીસ ઉપર પથ્થરમારો કરી હુમલો કર્યો હોવાનું મનાઈ રહ્યું છે. મોડી રાત્રે બનેલા આ બનાવની જાણ જે.પી.રોડ પોલીસ મથકના પીઆઈ ડી.કે.વાઘેલાને થતાં તેઓ પણ સ્ટાફ સાથે દોડી ગયા હતા અને આ મામલો થાળે પાડયો હતો. જે.પી.રોડ પોલીસે આ બનાવ અંગે ફરિયાદની કાર્યવાહી હાથ ધરી છે, તે સાથે રાત્રે પોલીસ ઉપર હુમલો કરી પોલીસ જવાનને ઈજા પહોંચાડનાર અને પોલીસ જવાનની બાઈકને આગચંપી કરીને નુકસાન કરનાર હુમલાખોરોની ધરપકડના ચક્રો ગતિમાન કર્યાં છે.