અમદાવાદ-

આગામી ૩ નવેમ્બરના રોજ ગુજરાત વિધાનસભાની ૮ બેઠક પર પેટા ચૂંટણી યોજાવાની છે. ચૂંટણીમાં દરેક વોટનું મહત્વ હોય છે અને તેને વાસ્તવિક બનાવવા માટે ગુજરાતમાં પહેલીવાર ચૂંટણી પંચે તેવા મતદાતાઓ માટે પોસ્ટલ બેલેટના વિકલ્પનો વિસ્તાર કરવાનો ર્નિણય લીધો છે, જેઓ દિવ્યાંગ છે તેમજ જેમની ઉંમર ૮૦ વર્ષથી ઉપર છે. આમ કરવાથી તેઓ આઠ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં ઘરેથી આરામથી મતદાન કરી શકશે. અબડાસા, લિંબડી, મોરબી, ધારી, ગઢડા, કરજણ, ડાંગ અને કપરાડા બેઠકના આશરે ૧૮ લાખ મતદારો છે, જેઓ ૩ નવેમ્બરે મતદાન કરવા જશે. ધ ગુજરાત ચીફ ઈલેક્ટોરલ ઓફિસને આ બે કેટેગરીમાં આવતા લગભગ ૫૦ હજાર મતદારો પાસેથી રજિસ્ટ્રેશન ફોર્મ્સ મળ્યા છે. ચીફ ઈલેક્ટોરલ ઓફિસર ડો. એસ મુરલી ક્રિષ્નાએ જણાવ્યું હતું કે, 'અમને ૮ મતદારક્ષેત્રમાંથી રજિસ્ટ્રેશન્સ મળ્યા છે. જેમાંથી ૧૩ હજાર દિવ્યાંગોના છે. જેઓ આ સુવિધાનો લાભ મેળવવા માગતા હોય તેમણે અમને જાણ કરવી પડશે અને અમે અમારી ટીમને તેમના ઘરે મોકલીશું કે જેથી તેઓ પોસ્ટલ બેલેટ દ્વારા પોતાનો મત આપી શકે. આ આઠ મતદારક્ષેત્રમાં ૩,૦૨૪ મતદાન મથક છે. મત ગણતરી ૧૦ નવેમ્બરે થશે. તેમણે આ વિશે વિગતવાર સમજાવતા કહ્યું કે, આ પોસ્ટલ બેલેટ સેવા થોડી અલગ છે. અહીં, સુવિધાનો ઉપયોગ કરવા માગતા ઈચ્છુક લોકોએ એક ફોર્મ ભરવાનું રહેશે. ત્યારબાદ અધિકારીઓ બેલેટ લઈને આા મતદારોના ઘરે જશે અને પારદર્શિતા સુનિશ્ચિત કરવા માટે મતદાનની વીડિયોગ્રાફી કરશે. આવતા અઠવાડિયાથી ડોર ટુ ડોર અભિયાન હાથ ધરાશે. અમે વોટિંગ સ્લિપ આપવા માટે આવતા અઠવાડિયે ડોર ટુ ડોર અભિયાન શરુ કરીશું. અમે મતદારની માર્ગદર્શિકા પણ વહેંચી રહ્યા છીએ. જે આવા મતદારોને આપવામાં આવતી સુવિધાઓને સૂચિબદ્ધ કરે છે, તેમ તેમણે કહ્યું હતું. કોરોના મહામારીના સમયમાં પેટા ચૂંટણી યોજાવાની છે ત્યારે મતદાન મથક પર જતાં મતદારોની સુરક્ષા માટે તેમને ગ્લવ્ઝ અને સેનિટાઈઝર આપવામાં આવશે. પ્રવેશ આપતા પહેલા થર્મલ ગનથી તેમનું ટેમ્પરેચર માપવામાં આવશે તેમજ બૂથ પર ભીડ ભેગી કરવા દેવામાં આવશે નહીં. જો કોઈ મતદારનું તાપમાન વધારે હોવાનું જાણવા મળે છે, તો તેને શંકાસ્પદ કોવિડ-૧૯ કેસો માટે ખાસ બનાવવામાં આવેલા આઈસોલેશન એરિયામાં રાહ જોવાનું કહેવામાં આવશે.