ગાંધીનગર-

ગુજરાત વિધાનસભાના પાંચ દિવસીય ઐતિહાસિક ચોમાસુ સત્ર શરૂ થઇ ગયું છે. ત્યારે ગૃહમાં સોશિયલ ડિસ્ટન્સ સાથે ધારાસભ્ય બેઠા છે. ગૃહ ઉપરાંત પ્રક્ષેક ગેલેરીમાં ધારાસભ્યોએ સ્થાન લીધું તેમજ તમામ ધારાસભ્યોએ મોઢા પર માસ્ક પહેર્યા છે. વિધાનસભામાં સંપૂર્ણ સોશિયલ ડિસ્ટન્સ જોવા મળ્યું. જેમાં સૌ પ્રથમ શોકદર્શક ઉલ્લેખ રજુ કર્યા. પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી, પૂર્વ મંત્રી લીલાધર વાઘેલા, પૂર્વ મંત્રી ગીગાભાઈ ગોહીલ સહિત 8 સ્વર્ગસ્થ સભ્યોની કામગીરીને અંજલિ અર્પી હતી. ત્યારે ગૃહ શરૂ થયા તે પહેલા કોંગ્રેસના ધારાસભ્યોએ બેનર સાથે સંકૂલમાં પ્રવેશ્યા હતા.

દરિયાપુરના ધારાસભ્ય અને જમાલપુર ના ધારાસભ્ય બેનર સાથે વિધાનસભા સંકુલમાં પ્રવેશ્યા હતા. કોરોનામાં નિષ્ફળ રહી રાજ્ય સરકાર, પ્રજા છે બે રોજગાર પોલીસ મારે દંડનો માર, કોરોનામાં નિષ્ફળ સરકાર પ્રજાને મારે દંડનો માર, જેવા બેનરો સાથે કોંગ્રેસના ધારાસભ્યોએ સંકુલમાં પ્રવેશ કર્યો હતો. ત્યારે દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે આક્ષેપ લગાવ્યો હતો કે, સરકાર કોરોનાને નાથવાનાં નિષ્ફળ રહી છે અને પોલીસને માસ્કનો દંડ વસુલવા ટાર્ગેટ આપે છે. આ મુદ્દાને પાંચ દિવસના સત્રમાં ઉઠાવવામાં આવશે.