ગાંધીનગર-

ગુજરાત વિધાનસભાની આગામી વર્ષમાં યોજાનારી ચૂંટણીને અનુલક્ષીને ભાજપ દ્વારા મિશન 2022ને ધ્યાને રાખીને ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રભારીની ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવી શકે છે. પ્રવર્તમાન પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવનો ગઇકાલે કેન્દ્રીય કેબિનેટનું વિસ્તરણ કરાયું છે તેમાં તેમનો સમાવેશ કરાયો છે. ભૂપેન્દ્ર યાદવને કેન્દ્રીય કેબિનેટમાં સ્થાન મળ્યું છે જેના કારણે હવે પ્રદેશ ભાજપના પ્રદેશ પ્રભારી તરીકે નવી વ્યક્તિને નિયુક્ત કરવામાં આવશે તે નિશ્ચિત છે. હાલના સંજોગોમાં ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રભારી તરીકે ત્રણ નામોની ચર્ચાઓ ચાલી રહી છે. જેમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકર, ગુજરાત ભાજપના વર્તમાન સહ પ્રભારી સુધીર ગુપ્તા અને ત્રીજા પક્ષના વરિષ્ઠ નેતા અને ગુજરાતનાં પૂર્વ પ્રભારી રહી ચૂકેલા ઓમ માથુરના નામો અગ્રેસર છે.

ભાજપના વરિષ્ઠ નેતા ઓમ માથુર આ અગાઉ પણ ગુજરાત ભાજપના પ્રભારી અને ચૂંટણી પ્રભારી તરીકે કાર્ય ચૂક્યા છે. આ ઉપરાંત માથુર ગુજરાતના સંગઠન અને સરકારના મોટાભાગના ચહેરાઓ સાથે પરિચિત છે. જેના કારણે તેમની પસંદગી કરવામાં આવે તેવી સંભાવના જોવામાં આવી રહી છે. આ ઉપરાંત ગઇકાલે જ જેમને માહિતી પ્રસારણ વિભાગના કેબિનેટ મંત્રી તરીકેથી પડતાં મુકાયા છે તેવા પ્રકાશ જાવડેકરનું નામ પણ ચર્ચામાં છે. પ્રકાશ જાવડેકર પણ ભૂતકાળમાં પક્ષની સંગઠનની કામગીરી કરી ચૂક્યા છે. તેથી તેમને પણ ગુજરાત ભાજપના પ્રભારી બનાવી શકે છે. જ્યારે ત્રીજા નામમાં ગુજરાતનાં વર્તમાન સહપ્રભારી એવા સુધીર ગુપ્તાને પણ બઢતી આપીને ગુજરાતનાં પ્રભારી બનાવી શકે છે. હાલમાં તો આ બધી અટકળો ચાલી રહી છે, જો ગુજરાતનાં પ્રભારી તરીકેનો છેવટનો નિર્ણય તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જેના નામ ઉપર મંજૂરીની મહોર મારશે તે જ ગુજરાતનાં પ્રભારી બનશે. જેથી એવું પણ બની શકે છે કે, ઉપરોક્ત ત્રણેયના બદલે અન્ય કોઈ વ્યક્તિની નિમણૂક કરવામાં આવે તો કોઈ આશ્ચર્ય થાય તેમ નથી. જો કે જે કોઈ નેતા ગુજરાતનાં પ્રભારી તરીકે નિયુક્ત થશે તેના માટે આગામી વર્ષમાં યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણી એટલે કે ભાજપનું ‘મિશન 2022’ તેમના માટે મોટો પડકાર બની રહેશે.