અમદાવાદ-

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે ગુજરાત બહાર જવા દેવાની માંગ સાથે દાખલ કરાયેલી અરજી ગુજરાત હાઈકોર્ટે આંશિક રીતે માન્ય રાખી છે. કોર્ટે મર્યાદિત સમય માટે હાર્દિક પટેલને ગુજરાત બહાર જવાની મંજૂરી આપી છે. હાઇકોર્ટે 11મી નવેમ્બર થી 2 ડિસેમ્બર સુધી હાર્દિકને ગુજરાત બહાર જવાની મંજૂરી આપી છે. 

રાજ્ય સરકાર તરફથી રજૂ કરેલા સોગંધનામામાં કહેવામાં આવ્યું છે કે હાર્દિક પટેલને કોર્ટ માટે માન નથી અને સુનાવણી દરમિયાન ગૈરહાજર રહે છે. પોલીસ અરેસ્ટ વોરન્ટની બજવણી કરવા ગઇ ત્યારે પણ હાર્દિક ઘરે મળ્યો નહીં અને સરનામા પર કોઇ અન્ય વ્યક્તિ પાંચ મહિનાથી રહેતા હોવાનુ પોલીસને જાણ થઇ હતી. હાર્દિક પટેલે અમદાવાદ સેશન્સ કોર્ટના આદેશને હાઈકોર્ટમાં પડકાર્યો હતો. હાર્દિકે રાજદ્રોહ કેસની જામીનની શરતમાં છૂટ મેળવવા માટે અરજી દાખલ કરી હતી. 

હાર્દિક પટેલ દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં રજુઆત કરવામાં આવી છે કે તેમને 12 સપ્તાહ સુધી ગુજરાત બહાર જવા મંજૂરી આપવામાં આવે. બિહાર વિધાનસભાની ચૂંટણીમાં તેની પાર્ટીના પ્રચાર માટે હાર્દિક પટેલ ગુજરાત બહાર જવા માંગે છે. વળી તેની સામે સુપ્રીમ કોર્ટમાં પણ ઘણા કેસ પેન્ડિંગ છે અને તેના માટે વકીલોનું માર્ગદશન જરૂરી હોવાથી અવાર-નવાર દિલ્હી જવાની જરૂર પડે છે. 

નોંધનીય છે કે અમદાવાદ સેશન્સ કોર્ટે હાર્દિકની ગુજરાત બહાર જવા દેવાની માંગ કરતી અરજી ફગાવી દીધી હતી. રાજ્ય સરકાર દ્વારા હાર્દિક પટેલ સામે લાદવામાં આવેલા રાજદ્રોહ કેસમાં જામીન આપતી વખતે કોર્ટે હાર્દિકને ગુજરાત બહાર ન જવાની શરતે જામીન મંજુર કર્યા હતા. આ શરતમાં હંગામી ધોરણે રાહત મેળવવા માટે હાર્દિકે હાઈકોર્ટમાં અરજી કરી છે.