બોલિવૂડ એક્ટર આમિર ખાનના પુત્ર જુનૈદ ખાનની ‘મહારાજ’ ફિલ્મ પર લાગેલા સ્ટેને લઈને ગુજરાત હાઈકોર્ટમાં છેલ્લા ત્રણ દિવસથી સુનાવણી હાથ ધરાઈ હતી. જજ સંગીતા વિશેનની બેંચ સમક્ષ સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં બંને પક્ષકાર દ્વારા દલીલો કરવામાં આવી હતી અને ફિલ્મ પર સ્ટે યથાવત્ રાખવામાં આવ્યો હતો. ત્યારે આજે ગુજરાત હાઈકોર્ટે મહારાજ ફિલ્મ પરથી સ્ટે હટાવી દીધો છે. હાઇકોર્ટે લગભગ ૧ કલાક અને ૨૫ મિનિટ સુધી જજમેન્ટ ડિકટેટ કર્યું. નોંધ્યું કે, હાઈકોર્ટે ફિલ્મ જાેઇ તેમાં કોઈ નકારાત્મક બાબત લાગી નથી. ફિલ્મ ધાર્મિક લાગણીઓ દુભાવનારી નથી. હાઈકોર્ટે વચગાળાનો સ્ટે દૂર કરતા હવે નેટફ્લિક્સ અને યશરાજ ફિલ્મ્સ મૂવી રિલીઝ કરી શકશે. ફરિયાદીએ જણાવ્યું હતું કે, હાઈકોર્ટે ફિલ્મ જાેઈ સ્ટે હટાવ્યો છે. કોઈ ઓથોરિટી ફિલ્મને સર્ટિફિકેટ આપે તેના કરતાં હાઈકોર્ટ ઉપર અમને વધુ વિશ્વાસ છે. અમારી ફરિયાદ બરોબર હતી. ફિલ્મ રિલીઝ થયા બાદ જે નુકસાન જાય તેના કરતા સાવચેતી વધુ સારી છે. ફિલ્મ રિલીઝ થયા બાદ અમે ફિલ્મ જાેઇશું. ફિલ્મ વાંધાજનક લાગે તો રસ્તો ખુલ્લો છે. છેલ્લા ત્રણ દિવસથી ચાલી રહેલી સુનાવણીમાં કોર્ટ દ્વારા બંને પક્ષકારોને સાંભળવામાં આવ્યા હતા.