અમદાવાદ-

મહેસાણાની દૂધસાગર ડેરીના સાગરદાણ કૌભાંડ મામલે જેલમાં બંધ વિપુલ ચૌધરીને ગુજરાત હાઈ કોર્ટ તરફથી મોટી રાહત મળી છે. હાઇકોર્ટે જણાવ્યું છે કે, વિપુલ ચૌધરી જોડિયા મંડળીમાંથી ચૂંટણી લડી શકશે. જેને લઈને વિપુલ ચૌધરીના સમર્થકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. દૂધ સાગર ડેરીના ચેરમેન પદે જોવા માંગતા તેમના સમર્થકોએ વિપુલ ચૌધરીના સમર્થનમાં નારા લગાવ્યા હતા.જોકે ગુજરાત હાઈકોર્ટે વિપુલ ચૌધરીના જામીન નામંજૂર કર્યા છે, હવે જેલમાંથી જ વિપુલ ચૌધરીને લડવી પડશે દૂધસાગર ડેરીની ચૂંટણી. 

ખેરાલુ ની જોડિયા દૂધ ઉતાપ્દક મંડળીના ઉમેદવારી ફોર્મમાં વિપુલ ચૌધરીને “ક” વિભાગમાં મુકતા વિવાદ સર્જાયો હતો. “ક” વિભાગમાં મુકાતા વર્ગીકરણના નિયમ પ્રમાણે વિપુલ ચૌધરી નું ફોર્મ રદ થતું હતું. ગુજરાત હાઇકોર્ટે “ક” વિભાગના ઉમેદવારી પત્ર ઉપર સ્ટે આપ્યો છે. વિપુલ ચૌધરીને ચૂંટણી લડવાની લીલી ઝંડી મળી છે. 05 મી જાન્યુઆરી દૂધસાગર ડેરીની ચૂંટણી યોજાવાની છે. 

ઉલ્લેખનીય છે કે, મહેસાણાની દૂધસાગર ડેરીના સાગરદાણ કૌભાંડમાં જેલમાં બંધ ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીએ ગુજરાત હાઈકોર્ટમાં જમીન મુદ્દે અપીલ કરી હતી. અને રજૂઆત કરી હતી કે, તેમને રાજકીય અદાવત અને તેઓ આગામી દૂધસાગર ડેરીની મેનેજિંગ કમિટીની ચૂંટણી ન લડી શકે તે માટે કિન્નાખોરી રાખીને આ કેસમાં ધરપકડ કરવામાં આવી છે. પૂછપરછ અને નિવેદન લેવાના બહાને આવેલા અધિકારીઓએ તેમની ધરપકડ કરી છે. તેમણે કેસને લગતી વિગતો અને માહિતી આપી દીધી હોવા છતાં તેમની ધરપકડ કરવામાં આવી છે. તેઓ સમાજમાં નામના ધરાવે છે અને જામીનની શરતોનું પાલન કરવા તૈયાર હોવાથી તેમને જામીન મળવા જોઇએ.