નર્મદા-

ભારત સરકારના સંરક્ષણ મંત્રાલય દ્વારા દર બે વર્ષે યોજવામાં આવતા ડિફેન્સ એક્સપોના ૨૦૨૨માં યોજાનારા ૧રમાં સંસ્કરણનું યજમાન ગુજરાત બનશે. આગામી ૨૦૨૨માં તા. ૧૦ થી ૧૩ માર્ચ દરમ્યાન સંરક્ષણ મંત્રાલયના ડિફેન્સ પ્રોડકશન વિભાગ દ્વારા આ પ્રદર્શની ગાંધીનગરમાં યોજાશે. ગુજરાતમાં વિશાળ પાયા પર યોજાનારા આ ડિફેન્સ એક્સપો-૨૦૨૨ના સુગ્રથિત આયોજન અંગેની સમીક્ષા બેઠક કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અને મુખ્યમંત્રી વિજય રૂપાણીની પ્રેરક ઉપસ્થિતીમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ધામ કેવડીયામાં યોજવામાં આવી હતી. આ ડિફેન્સ એક્સપો-૨૦૨૨ના આયોજનમાં રાજ્ય સરકારના સંપૂર્ણ સહયોગ અને સુવિધાઓ અંગેના એમ.ઓ.યુ પણ સંરક્ષણ મંત્રાલયના ડિફેન્સ પ્રોડકશન વિભાગના સંયુકત સચિવશ્રી અને ગુજરાતના ઊદ્યોગ કમિશનરે કેન્દ્રીય સંરક્ષણ મંત્રી અને મુખ્યમંત્રીની ઉપસ્થિતીમાં કર્યા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ બેઠકમાં સ્પષ્ટપણે જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રેરણા અને સંરક્ષણ મંત્રીના માર્ગદર્શનથી આવા ડિફેન્સ એક્સપો દેશના જુદા જુદા રાજ્યોમાં યોજવાની જે પહેલ થઇ છે તે સરાહનીય છે. તેમણે આગામી ડિફેન્સ એક્સપો-૨૦૨૨ના આયોજન માટે ગુજરાતની પસંદગી કરવા માટે પ્રધાનમંત્રી અને સંરક્ષણ મંત્રીનો હ્દયપૂર્વક આભાર વ્યકત કર્યો હતો. વિજય રૂપાણીએ સંરક્ષણ ક્ષેત્રે દેશની આત્મનિર્ભરતા આવા ડિફેન્સ એક્સપોના માધ્યમથી વધુ વેગવાન બની રહી છે તેમ પણ ઉમેર્યુ હતું.   મુખ્યમંત્રીએ વિશ્વાસ દર્શાવ્યો કે ગુજરાત જે રીતે વાયબ્રન્ટ સમિટના સફળ આયોજનથી વિશ્વના નિવેશકો માટે બેસ્ટ ચોઇસ ફોર ઇન્વેસ્ટમેન્ટ બન્યું છે તે જ પરિપાટીએ ડિફેન્સ એક્સપો-૨૦૨૨ના આયોજનથી ડિફેન્સ સેકટરમાં પણ દેશમાં સૌથી વધુ રોકાણો મેળવનારૂં રાજ્ય બનશે. તેમણે જણાવ્યું કે, ગુજરાતે પોતાની ડિફેન્સ એન્ડ એરોસ્પેસ પોલિસી બનાવી છે. એટલું જ નહિ, આ પોલિસી અંતર્ગત ડિફેન્સ ઇક્વીપમેન્ટ પ્રોડકશન એકમો માટે જમીન ખરીદીમાં સ્ટેમ્પ ડયુટીથી મુક્તિ, ઉત્પાદન શરૂ થયાના પાંચ વર્ષ સુધી ઇલેકટ્રીસિટી ડયૂટીથી માફી જેવા પ્રોત્સાહનો પણ ગુજરાતમાં આપવામાં આવે છે.