પટના-

બિહારના સુપૌલ જિલ્લામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં 20 રૂપિયાની ગુટખા એક શખસના મોતનું કારણ બની છે. એક કિરાણાં સ્ટોરના વેપારીની હત્યા એ માટે કરવામાં આવી કારણ કે તેણે 20 રૂપિયાની ગુટખા ઉધાર આપવાનો ઈનકાર કરી દીધો હતો.

ઘટના બિહારના સુપૌલ જિલ્લાના ત્રિવેણીગંજની છે. જ્યાં મંગળવારની સવારે જ્યારે આરોપી અજીત કુમાર કિરાણાની દુકાન પર પહોંચીને મિથિલેશ કુમાર નામના યુવકની ગોળી મારીને હત્યા કરી દીધી. બનાવની વિગતો એવી છે કે, 1 દિવસ પહેલા અપરાધી અજીત કુમારનો મૃતક મિથિલેશ કુમારના પિતા સાથે વિવાદ થયો હતો. તે દિવસે અજીત કુમાર મૃતકના પિતાની દુકાન પર પહોંચ્યો અને 20 રૂપિયાની ગુટખા ઉધારમાં આપવા માટે કહ્યું. જ્યારે મૃતકના પિતાએ ઉધારમાં ગુટખા આપવાનો ઈનકાર કર્યો તો બંન્ને વચ્ચે વિવાદ થયો.

આ વિવાદને લઈને મંગળવારે સવારે અજીત કુમાર પોતાના બે અન્ય સાથીઓની સાથે તે દુકાન પર ફરી પહોંચ્યો પરંતુ ત્યાં એ સમયે મૃતકના પિતા હાજર નહોતા પરંતુ તેનો નાનો દિકરો મિથિલેશ બેઠો હતો. આ દરમિયાન અજીત કુમારનો મિથિલેશ કુમાર સાથે ફરી વિવાદ થયો જે બાદ અજીત કુમારે મિથિલેશ કુમારની ત્યાં જ ગોળી મારીને હત્યા કરી દીધી. મૃતકના મોટાભાઈનું કહેવું છે કે, જે સમયે તેના નાનો ભાઈને ગોળી મારવામાં આવી ત્યારે તે નજીકમાં જ હાજર હતો પરંતુ તે દુકાન સુધી પહોંચે તે પહેલા આરોપીઓ ફરાર થઈ ચુક્યા હતા.