વડોદરા, તા.૯
શિવપ્રિય પવિત્ર શ્રાવણ માસ પૂર્ણ થયો છે, ત્યાર બાદ વિઘ્નહર્તા ગણેશજીના ઉત્સવનો આવતીકાલે ભાદરવા સુદ-૪ ગણેશ ચતુર્થીના દિવસથી પ્રારંભ થઈ રહ્યો છે. છેલ્લા દોઢ-બે વર્ષથી કોરોનાની મહામારીને લઈને તમામ ધર્મના ઉત્સવ પર રોક લગાવી હતી. પરંતુ આ વર્ષે કોરોનાનો કહેર લગભગ પૂર્ણ થવાને આરે આવીને ઊભો છે. ત્યારે સરકાર દ્વારા ગણેશ ઉત્સવની મંજૂરી મળતાં શહેરના ગણેશ મંડળોમાં અનેરો ઉત્સાહ અને થનગનાટ જાેવા મળી રહ્યો છે. એમાં પણ સરકારે ડી.જે. અને બેન્ડવાજા, ઢોલનગારાંની પણ મંજૂરી આપતાં આવતીકાલથી પ્રારંભ થઈ રહેલા ગણેશોત્સવના ભાગરૂપે આજે સાંજે વડોદરા શહેરમાં શ્રીજીના સ્થાપન અને આગમનની ધામધૂમ, ડી.જે., ફટાકડાની આતશબાજી સાથે આન-બાન-શાન સાથે ગણેશમંડળો દ્વારા સવારીઓ નીકળી હતી.
વડોદરા શહેરના મોટા ગણેશ મંડળો પૈકી શહેરના ઈલોરા પાર્ક સ્થિત આવેલા ઈન્દ્રપ્રસ્થ યુવકમંડળ દ્વારા શ્રીજીની સ્થાપના હેતુ શ્રીજીની સવારી કોરોનાની ગાઈડલાઈનને અનુસરી ગજરાજ સાથે નીકળી હતી. તદ્ઉપરાંત ઈન્દ્રપ્રસ્થ મંડળના સંચાલકો દ્વારા શહેરના બરાનપુરા વ્યંડળ સમાજના પ્રમુખ અંજુમાસીના હસ્તે ગજરાજની સલામી સાથે ગણેશ પંડાલમાં શ્રીજીને બિરાજમાન કરવામાં આવ્યા હતા. આ સાથે માર્કેટમાં શ્રીજીની મૂર્તિઓની ખરીદી માટે ગણેશોત્સવ પ્રારંભની પૂર્વસંધ્યાને ગણેશભક્તોની ભારે ભીડ જાેવા મળી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા દોઢ બે વર્ષથી કોરોનાકાળની મહામારીને કારણે સરકાર દ્વારા તમામ ધર્મોના તહેવારોના ઉત્સવ ઉપર રોક લગાવી હતી, અર્થાત્ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. પરંતુ ચાલુ વરસે કોરોનાનો પ્રકોપ ઓછો થતાં તેમજ નરમ પડતાં કોરોનાના કેસો સતત ઘટી રહ્યા છે અને કેસો પણ બિલકુલ નહિવત્ નોંધાઈ રહ્યા છે, જેથી સરકારે રાહત અનુભવી હતી. સતત કોરોનાના કેસોના ઘટાડાને પગલે સરકારે સૌથી મોટા ગણેશોત્સવ અને નવરાત્રિ ઉત્સવની ઉજવણી માટે કોરોનાની ગાઈડલાઈનને અનુસરી કેટલીક શરતી મંજૂરીઓ આપવામાં આવી છે. જેથી ઉત્સવપ્રિય નગરીમાં પ્રથમ પૂજનીય અને વિઘ્નહર્તા શ્રીજી આતિથ્ય માણવા શહેરમાં પધારી રહ્યા છે. ત્યારે શ્રીજીના આગમનને નગરવાસીઓ ડી.જે.ના તાલે, બેન્ડવાજા સાથે, ઢોલનગારાં સાથે વધાવી રહ્યા છે. શ્રીજીના સ્વાગતની ગણેશમંડળોએ ગણેશોત્સવની તેમજ તેમના સ્થાપનની સંપૂર્ણ તૈયારીઓ કરી દેવામાં આવ્યા બાદ વાજતે-ગાજતે ફટાકડાની આતશબાજી સાથે શ્રીજીની સવારી ગણેશ પંડાલોમાં લાવવામાં આવી રહી છે.
ગણેશમંડળો, ડી.જે. સંચાલકો અટવાયા
સરકારે એક તરફ ગણેશ ઉત્સવમાં ડી.જે.ની મંજૂરી આપી છે. ત્યારે પોલીસ મથકોમાં પરવાનગી લેવા પહોંચેલા યુવક મંડળોના સંચાલકો, ડી.જે. સંચાલકોને અમને હજુ સુધી સત્તાવાર જાણ નથી એવો જવાબ મળતાં અટવાયેલા સંચાલકો પોલીસ ભવન ખાતે જઈ પોલીસ કમિશનરને રજૂઆત કરવા પહોંચ્યા હતા. અવઢવમાં મુકાયેલા સંચાલકોએ જણાવ્યું હતું કે પોલીસ કમિશનરે આ અંગે દરેક પોલીસ મથકોને તાત્કાલિક સૂચના આપવી જાેઈએ અને ગણેશોત્સવ શાંતિથી ઉજવાય એવા પ્રયત્નો કરવાની માગ ટીમ રિવોલ્યુશનના સ્વેજલ વ્યાસે કરી હતી.
શ્રીજીની પાંચ હજાર માટીની મૂર્તિનું નિઃશુલ્ક વિતરણ કરાયું
ઉત્સવપ્રિય નગરીમાં આવતીકાલે શુક્રવારે ભાદરવા સુદ-૪ ગણેશ ચતુર્થીના દિવસે ગણેશોત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે દસ દિવસ શહેરમાં આતિથ્ય માણવા આવી રહેલા શ્રીજીની મૂર્તિનું આ વરસે આવશે ગજાનન આપણા આંગણે... શીર્ષક અંતર્ગત જય સાંઈનાથ ચેરિટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ પૂર્વ કાઉન્સિલર અને અગ્રણી નેતા રાજેશ આયરે દ્વારા ગણેશજીની માટીની મૂર્તિઓનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં શહેર ભાજપા પ્રમુખ, મહામંત્રીની ઉપસ્થિતિમાં રાજેશ આયરે અને કાઉન્સિલર પુત્ર શ્રીરંગ આયરેએ ઘરે ઘરે ગણેશની સ્થાપના કરતાં ૧૧૦૦ પરિવારોમાં પાંચ હજાર જેટલી શ્રીજીની પ્રતિમાનું વિતરણ કર્યું હતું.
Loading ...