ગાંધીનગર-

કોંગ્રેસ નેતા અને ગુજરાતમાં પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે ટ્‌વીટર પર પોતાની પ્રોફાઈલનું નામ બદલીને આંદોલનજીવી હાર્દિક પટેલ કર્યું છે. વાસ્તવમાં રાજ્યસભામાં સોમવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચાનો જવાબ આપતા વડાપ્રધાન મોદીએ કૃષિ સુધારા પર યુ-ટર્ન લઈ રહેલા કોંગ્રેસના કાર્યકર્તાઓને આડેહાથ લીધા અને કહ્યું કે, છેલ્લા કેટલાક સમયથી આ દેશમાં આંદોલનજીવીઓની એક નવી જમાત પેદા થઈ છે. જે આંદોલન વિના જીવી નથી શકતી. જે બાદ વિપક્ષી પાર્ટીઓએ વડાપ્રધાન મોદીને ઘેરવાનું શરૂ કરી દીધુ.

ખેડૂત નેતાઓને પણ વડાપ્રધાનનું આ નિવેદન પસંદ નથી પડ્યું. કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે પણ વડાપ્રધાન મોદીને ઘેરતા તેમના આંદોલનજીવી વાળા નિવેદનને પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીનું અપમાન ગણાવ્યું હતુ. હાર્દિકે ટ્‌વીટ કર્યું છે. આપણાં સૌના પ્રિય પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીજી આંદોલન સમયે સંસદ સુધી બળદગાડામાં જતા હતા. આજે મોદીજીએ તેમને પણ આંદોલનજીવી કહી દીધુ. અટલજીનું અપમાન, ભારત સહન નહીં કરે. બીજી તરફ કેન્દ્રના નવા કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા સંયુક્ત કિસાન મોર્ચાએ પણ વડાપ્રધાન મોદીના આંદોલનજીવી નિવેદન પર પોતાનો આક્રોશ ઠાલવતા કહ્યું કે, આ ખેડૂતોનું અપમાન છે. સંગઠન તરફથી તેમના નેતા દર્શનપાલે પોતાના નિવેદનમાં જણાવ્યું કે, પ્રધાનમંત્રી દ્વારા ખેડૂતોના અપમાનની તેઓ નિંદા કરે છે.

ભાજપ અને તેમના પૂર્વજાે અંગ્રેજાે વિરુદ્ધ આંદોલન નથી કર્યું અને તેઓ હંમેશા આંદોલન વિરુદ્ધ રહ્યાં. તેઓ આજે પણ આંદોલનના નામે ડરી રહ્યાં છે. સરકારના જિદ્દી વલણના કારણે વધારે આંદોલનજીવીઓ પેદા થઈ રહ્યાં છે. કૃષિ ક્ષેત્રમાં સુધારો લાવવા માટે સરકાર દ્વારા સપ્ટેમ્બરમાં ત્રણ કૃષિ કાયદા લાગૂ કરવામાં આવ્યા હતા. જ્યારે ૩ કૃષિ કાયદા પરત લેવાની અને સ્જીઁ પર કાયદો બનાવવાની માંગ સાથે પંજાબ અને હરિયાણાના ખેડૂતો છેલ્લા ૭૦થી વધુ દિવસોથી દિલ્હીની બોર્ડર પર પ્રદર્શન કરી રહ્યાં છે.