હરીયાણા: આગામી શૈક્ષણિક સત્રમાં યોગને એક અલગ વિષય તરીકે ભણાવવામાં આવશે

દિલ્હી-

હરિયાણાના સરકારે બુધવારે જાહેરાત કરી હતી કે, આગામી શૈક્ષણિક સત્રથી, તમામ સરકારી શાળાઓમાં યોગને એક અલગ વિષય તરીકે સમાવવામાં આવશે. મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરની અધ્યક્ષતાવાળી હરિયાણા યોગ પરિષદની બેઠકમાં લીધેલા આ નિર્ણયનો હેતુ, વિદ્યાર્થીઓમાં યોગની પ્રેક્ટિસ કરવાની ટેવ ઉભી કરવાનો છે. એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યા અનુસાર સરકારે રાજ્યમાં 1000 વધુ યોગ શાળાઓ સ્થાપવાનું પણ નક્કી કર્યું છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, આગામી 1 એપ્રિલ 2021 થી રાજ્યના તમામ સરકારી શાળાઓમાં યોગના એક અલગ વિષય તરીકે શાળાના અભ્યાસક્રમમાં સમાવેશ કરવામાં આવશે.

બેઠક દરમિયાન અધિકારીઓએ જણાવ્યું હતું કે શૈક્ષણિક સત્ર 2016-17થી વિદ્યાર્થીઓને નૈતિક શિક્ષણ ઉપરાંત યોગ શીખવવામાં આવી રહ્યા છે. નિવેદનમાં જણાવ્યા અનુસાર, "પરંતુ હવે, એક પગલું આગળ વધારતા, નિર્ણય લેવામાં આવ્યો છે કે શાળાના અભ્યાસક્રમમાં યોગ ફરજિયાત અથવા વૈકલ્પિક વિષય બનશે અને શાળા શિક્ષણ વિભાગે તેના માટે એક સમિતિની રચના કરી છે." નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ સાથે, શાળાઓમાં યોગને એક વિષય તરીકે શામેલ કરનારા હરિયાણા સંભવત: દેશનું પહેલું રાજ્ય બનશે. બેઠકમાં ખટ્ટરે કહ્યું કે રાજ્ય સરકારનો ઉદ્દેશ લોકોને યોગને તેમની જીવનશૈલીનો ભાગ બનાવવા માટે પ્રોત્સાહિત કરવાનો છે.





© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution