વડોદરા, તા. ૨૯

રાજ્યભરમાં ચકચાર જગાડનારા ફતેગંજ પોલીસ મથકના શેખ બાબુ મર્ડર કેસનું પોપડા વધુ એક વાર ઉખેડ્યા છે. શેખ બાબુની ફતેગંજ પોલીસ મથકના તત્કાલીન પીઆઈ સહિત છ પોલીસ જવાનોએ માર મારીને હત્યા કર્યા બાદ તેની લાશને ફતેગંજ પોલીસ મથકના હેકો મહેશ રાઠવાની કારમાં લઈ જઈ સગેવગે કરી હતી. શેખ બાબુ હત્યાકાંડથી માહિતીગાર હોવા છતાં પોતે કશુ જ જાણતા નથી તેવું નિવેદન આપી બચી રહેલા અને ધરપકડની બીકે આગોતરા જામીન લેનાર હેકો મહેશ રાઠવાની આ ગુનામાં સંડોવણી હોવાની રાજયના સીઆઈડી (ક્રાઇમ) પાસે પુરતી વિગતો હોઈ સીઆઈડી ક્રાઈમની ટીમે આજે હેકો મહેશ રાઠવાને અત્રેની કોર્ટમાં હાજર રખાવી તેના પાંચ દિવસના રિમાન્ડ મેળવતા શેખ બાબુ મર્ડર કેસ ફરી ચર્ચાની એરણે ચડ્યો છે.

ફતેગંજ પોલીસ મથકમાં ગત ૧૯મી ડીસેમ્બર-૨૦૧૯ના રોજ મુળ ઉત્તરપ્રદેશના વતની અને જે તે સમયે અમદાવાદમાં રહી વડોદરામાં આવીને કપડાની ફેરી કરતા શેખ બાબુ શેખ નિશારની ફતેગંજ પોલીસે ચોરીના શંકાસ્પદ આરોપી તરીકે અટકાયત કરી હતી. ત્યારબાદ ચોરીના ગુનાની કબૂલાત કરાવવા માટે શેખ બાબુને પોલીસ સ્ટેશનના કોમ્પ્યુટર રૂમમાં ખુરશી સાથે બાંધીને પીઆઈ સહિત પોલીસ જવાનોએ ઢોર માર માર્યો હતો. પોલીસ દ્વારા અપાયેલી યાતનાઓના કારણે શેખ બાબુનું લોહીલુહાણ હાલતમાં ખુરશીમાં જ મોત નિપજયું હતું. શેખ બાબુની હત્યાને છુપાવવા માટે પીઆઈ સહિતના પોલીસ જવાનોએ ભેગા મળીને શેખ બાબુને પોલીસ મથકમાંથી રવાના કરી દીધો છે તેવા બોગસ દસ્તાવેજાે બનાવ્યા હતા અને ત્યારબાદ ફતેગંજ પોલીસ મથકના હે.કો. મહેશ રમેશભાઈ રાઠવાની મારૂતી સ્વીફ્ટ કાર ઘરેથી મંગાવી તેમાં શેખ બાબુની લાશને મુકીને અજ્ઞાત સ્થળે લઈ જઈ સળગાવી દઈ પુરાવાનો નાશ કર્યો હતો.

આ બનાવમાં શેખ બાબુના પરિવારજનોની ભારે લડત બાદ આખરે ફતેગંજ પોલીસ મથકના તત્કાલીન પીઆઈ ધર્મેન્દ્ર બટુકસિંહ ગોહિલ તેમજ પીએસઆઈ દશરથ માધાભાઈ રબારી, એલઆરડી પંકજ માવજી રાઠોડ, યોગેન્દ્ર જીલણસિંહ ચૈાહાણ, રાજેશ સવજીભાઈ ગડચર અને હિતેશ શંભુભાઈ બાંભણીયા વિરુધ્ધ ફતેગંજ પોલીસ મથકમાં જ હત્યા અને પુરાવાના નાશ કરવા સહિતના ગુનામાં ગત સપ્ટેમ્બર-૨૦૨૦ના રોજ ધરપકડ કરાઈ હતી અને દસ દિવસના રિમાન્ડ બાદ પીઆઈ સહિત તમામ છ પોલીસ જવાનોને જેલભેગા કરાયા હતા. આ બનાવની હાઈકોર્ટમાં હેબીયર્સ કોપર્સ દાખલ થતાં સીઆઈડી ક્રાઈમને તપાસ સોંપાઈ છે.

આ બનાવની તપાસમાં ફતેગંજના તત્કાલીન પીએસઆઈ દિલીપ ભરતસંગ રાઠોડ અને હેડ કોન્સ્ટેબલ મહેશ રમેશભાઈ રાઠવાની પણ સંડોવણી સપાટી પર આવતા આ બંનેએ આગોતરા જામીન મેળવ્યા હતા. જાેકે આ બંનેની પણ ઉક્ત ગુનામાં સંડોવણી હોઈ સીઆઈડી ક્રાઈમ દ્વારા હેકો મહેશ રાઠવાનું નિવેદન માટે કોર્ટમાંથી મંજુરી મેળવી હતી જેમાં મહેશ રાઠવાએ પોતે આ બનાવમાં કશુ જાણતા નથી તેમ જણાવેલું. આગોતરા જામીન પર મુક્ત હેકો મહેશ રાઠવાની સીઆઈડી ક્રાઈમ દ્વારા પાંચ દિવસના રિમાન્ડની માગણી કરતા તેમને કોર્ટમાં હાજર રહેવા જાણ કરાઈ હતી. સીઆઈડી ક્રાઈમે રિમાન્ડ અરજીમાં જણાવ્યું હતું કે હત્યામાં વપરાયેલું દોરડુ અને પટ્ટો કબજાે કરવાનો બાકી છે, શેખ બાબુની લાશને મહેશની કારમાં મહિસાગર બાજુ લઈ જઈ લાકડા અને પેટ્રોલથી સળગાવી દીધી છે જે મહેશ જાણે છે પરંતું સત્ય હકીકત જણાવતા નથી, પોતે પોલીસ વિભાગના હોઈ કાયદાથી વાકેફ છે અને આ ગુનામાં અન્ય કોઈની સંડોવણી છે કે તેની વિગતો મેળવવાની છે. પોલીસની રિમાન્ડની અરજી તેમજ સરકારી વકીલ રવિ શુક્લાની દલીલોને ગ્રાહ્ય રાખી કોર્ટે હેકો મહેશ રાઠવાને પાંચ દિવસના રિમાન્ડ પર સોંપવાનો આદેશ કર્યો હતો. સીઆઈડી ક્રાઈમની ટીમ રિમાન્ડ મળતા હેકો મહેશ રાઠવાને લઈને રવાના થઈ હતી.