રાજ્યના તમામ તાલુકામાં ધોધમાર વરસાદ, ડાંગમાં ૨૪ કલાકમાં ૧૧ ઇંચ વરસાદ
29, સપ્ટેમ્બર 2021

વલસાડ-

વલસાડ જિલ્લામાં પણ હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીને પગલે ગઈકાલથી જ વરસાદી માહોલ જામ્યો છે. ગઈકાલે દિવસ દરમિયાન છુટાછવાયા વરસાદી ઝાપટા બાદ મોડી રાત્રે જિલ્લાના તમામ તાલુકાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જિલ્લામાં ૨૪ કલાકમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. વલસાડ જિલ્લામાં ઉપરવાસમાં ભારે વરસાદ કપરાડા અને મહારાષ્ટ્ર બોર્ડરમાં રાત્રે ૧૨ વાગ્યાથી સવાર ૮ વાગ્યા સુધી ૧૫.૯૪ ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે. ઉપરવાસમાં ભારે વરસાદને લઈ મધુબનડેમમાં પાણી ૯ લાખ ક્યુસેકથી વધુ પાણીની આવક થઈ રહી છે. ૮ કલાકમાં કુલ મધુબનડેમ ૭ દરવાજા ૨ મીટરે ખોલાયા છે. તો ડેમમાંથી ૯ લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યુ છે. આ કારણે વહીવટી તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારને એલર્ટ કરવામાં આવ્યા છે. જિલ્લામાં એક એનડીઆરએફની ટીમ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. તો બીજી તરફ, અધિકારીઓને હેડક્વાટર્સ ન છોડવાની સૂચના અપાઈ છે.

વલસાડ શહેરમાં ૬.૫ ઇંચ અને કપરાડા તાલુકામાં ૬ ઇંચ વરસાદ ખાબકી ચૂકયો છે. ત્યારે આજે પણ સવાર બાદ પણ જિલ્લાના અનેક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને પગલે વલસાડ શહેરના છીપવાડ અને મોગરાવાડી રેલવે ગરનાળામાં પાણી ભરાઇ જતા રાહદારીઓ અને વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. ભારે વરસાદથી જિલ્લાના તમામ નદી-નાળાઓ બે કાંઠે વહી રહ્યા છે. ગઈ મોડીરાત્રે વલસાડ શહેરમાં ધોધમાર વરસાદને કારણે શહેરના નીચાણવાળા કેટલાક વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. તો શહેરની રોજીંદી સમસ્યા સમાન છીપવાડ અને મોગરાવાડી રેલવે ગરનાળામાં પાણી ભરાઇ જતા વહેલી સવારે નોકરી ધંધે જતા રાહદારીઓ અને વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. આમ જિલ્લાના તમામ તાલુકાઓ વલસાડ, કપરાડા, ધરમપુર, પારડી, વાપી અને ઉંમરગામ તાલુકામાં પણ વરસાદ વરસ્યો હતો. ચોમાસામાં ડાંગ જિલ્લો વરસાદના પાણીથી સોળે કળાએ ખીલી જાય છે. ત્યારે છેલ્લા ૨૪ કલાકમાં ડાંગમાં ભારે વરસાદ વરસ્યો છે. જિલ્લાના સુંદર હિલસ્ટેશન સાપુતારામાં ૧૦.૭૨ ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે આહવામાં ૬.૫૨ ઇંચ વરસાદ નોંધાયો છે. વરસાદને કારણે જિલ્લાની અંબિકા, પૂર્ણા, ખાપરી અને ગીરા નદીમાં ઘોડાપુર આવી ગયુ છે. જિલ્લાના ૧૪ જેટલા લોલેવલ કોઝવે પાણીમાં ગરકાવ થઇ ગયા છે.

જિલ્લાના ૧૪ લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થવાને કારણે વહીવટી તંત્ર દ્વારા વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. અંબિકા નદીમાં પૂરની સ્થિતિને લઈ નવસારી જિલ્લાના ઘણા ગામો પણ પ્રભાવિત થયા છે. ડાંગમાં ભારે વરસાદના કારણે નદીઓ ગાંડીતૂર બની છે. ૨૪ કલાકમાં સાપુતારામાં ૧૦.૭૨ ઇંચ વરસાદ, આહવામાં ૬.૫૨ ઇંચ, વઘઇમાં ૫ ઇંચ, સુબિરમાં ૪ ઇંચ વરસાદ નોંધાયો છે. જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. પરંતુ કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલ્યું છે. મંગળવારે દિવસ દરમિયાન ગુજરાતના ૪૫થી વધુ તાલુકામાં અડધા ઈંચથી વધુ વરસાદ નોધાયો હતો. જેમાં ડાંગમાં સૌથી વધુ ૩, નવસારીના ગણદેવી-વાંસદા- ભરૃચના હાંસોટ-વડોદરામાં ૨.૧૬, ડાંગના વઘઇમાં ૧.૮૫, સુરતના મહુવામાં ૧.૮૧, આણંદના ખંભાત-સુરતના પલસાણા-છોટા ઉદેપુરના નસવાડીમાં ૧.૫૭ ઈંચ સાથે સૌથી વધુ વરસાદ ખાબક્યો હતો. આ સિવાય અન્યત્ર જ્યાં ૧ ઈંચથી વધુ વરસાદ નોંધાયો તેમાં બારડોલી, છોટા ઉદેપુર, વાલોદ, તારાપુર, ગરૃડેશ્વર, આંકલાવ, ચીખલી, સોનગઢ, નીઝર, વાપીનો સમાવેશ થાય છે. ડાંગ જિલ્લામાં આજથી પહેલી તારીખ દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જેને ધ્યાને લેતા ડીઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા અધિકારીઓને તેમનું કાર્યમથક નહીં છોડવાની સુચના અપાઇ છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution