દિલ્હી-

મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં ભારે વરસાદ અને પૂરને કારણે સ્થિતિ એકદમ ગંભીર છે. એક તરફ, કર્ણાટકમાં સતત વરસાદ વચ્ચે મોટા ડેમમાંથી પાણી છોડવાના કારણે પૂરની પરિસ્થિતિ ઉભી થઈ છે, જ્યારે મહારાષ્ટ્રમાં મુશળધાર વરસાદ બાદ પૂરના કારણે અનેક લોકોનાં મોત નીપજ્યાં છે. રાજ્યમાં વાતાવરણને કારણે ખેડુતોને ભારે હાલાકી વેઠવી પડી છે. લાખો હેકટર જમીનમાં પાકનો મોટા પ્રમાણમાં નાશ થયો છે.

ઉત્તર કર્ણાટકમાં છેલ્લા ત્રણ મહિનામાં ત્રીજી વખત પૂર આવ્યું છે. પ્રદેશના બેલાગવી, કલબુરબી, રાયચુર, યાદગીર, કોપલ, ગોદાગ, ધારવાડ, બગલકોટ, વિજયપુરા અને હવેરી વિસ્તારોમાં સૌથી વધુ અસર જોવા મળી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે ભારે વરસાદથી પ્રભાવિત મહારાષ્ટ્ર અને કર્ણાટક રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે વાત કરી હતી અને રાહત અને બચાવ કાર્યમાં તમામ શક્ય મદદની ખાતરી આપી હતી.

ભારે વરસાદ અને પૂરને કારણે મહારાષ્ટ્રમાં લાખો હેકટર વિસ્તાર બહોળા પ્રમાણમાં નાશ પામ્યો છે. પૂના, સોલાપુર, સાતારા અને સાંગલી જિલ્લામાં શેરડી, સોયાબીન, શાકભાજી, ચોખા, દાડમ અને કપાસ જેવા પાકને નુકસાન થયું છે. આ ઉપરાંત સોલાપુર, સાંગલી, સાતારા અને પૂના જિલ્લામાં ભારે વરસાદ અને પૂરમાં અનેક સો મકાનોને નુકસાન પહોંચ્યું હતું અને 100 થી વધુ ઝૂંપડપટ્ટી નષ્ટ થઈ ગઈ હતી. સોલાપુર, સાંગલી, સાતારા અને પુના જિલ્લાના લોકોને સુરક્ષિત સ્થળોએ લઈ જવામાં આવ્યા છે.

હવામાન વિભાગ (આઇએમડી) એ આગામી પાંચ દિવસમાં ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદની આગાહી કરી છે. ભારતીય હવામાન ખાતાના ગુજરાતના નિયામક જયંત સરકારે જણાવ્યું હતું કે અરબી સમુદ્રમાં એક વેલમાર્ક લો પ્રેશર સક્રિય કરાયો છે. જેના કારણે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના છે. આવી સ્થિતિમાં માછીમારોને દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે. બંદરો પર 3 નંબર સિગ્નલ લાગુ કરવામાં આવ્યું છે. રાજ્યમાં ભારે વરસાદની આગાહી બાદ ખેડૂતો ચિંતિત છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ શુક્રવારથી પાંચ દિવસ સુધી દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદ પડવાની સંભાવના છે. દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પાટણ, મહેસાણા, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, કચ્છ, દીવમાં 17 ઓક્ટોબરે હળવાથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે. જ્યારે ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડી શકે છે.