શહેરમાં ધોધમાર વરસાદ : પાણી ભરાયાં
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
19, સપ્ટેમ્બર 2020  |   1089

વડોદરા : ગુજરાતમાં પાંચ દિવસ છૂટાછવાયા વરસાદની આગાહી આપવામાં આવી છે ત્યારે સવારથી વાદળિયા વાતાવરણમાં ઉકળાટથી લોકો પરેશાન થયા હતા. ત્યારે બપોરે એકાએક જાેરદાર વરસાદ શરૂ થયો હતો. ગણતરીના સમયમાં અડધો ઈંચ વરસાદ થતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં હતાં.  

ભાદરવો મહિનો પૂરો થઈને આજથી અધિક આસો માસ શરૂ થયો છે. ત્યારે વરસાદી મોસમના આખરી દિવસોમાં પાછોતરો છૂટોછવાયો વરસાદ શરૂ થયો છે. વરસાદ હવે ધીમી ધીમે વિદાય લઈ રહ્યો છે પરંતુ હવામાં ભેજનું પ્રમાણ વધતાં ઉકળાટથી લોકો ત્રાહિમામ્‌ પોકારી ગયા છે. ગુરુવારે પણ મધ્ય ગુજરાતમાં અનેક સ્થળે વરસાદ થયો હતો.

ત્યારે આજે સવારથી વડોદરામાં વાદળિયું વાતાવરણ રહ્યું હતું જેના કારણે બફારાથી લોકો ત્રાહિમામ્‌ પોકારી ગયા હતા. પરંતુ બપોરે એકાદ કલાક થયેલા અડધા ઈંચ વરસાદમાં શહેરના દાંડિયા બજાર, રાવપુરા રોડ, એમ.જી. રોડ સહિત અનેક નીચાણવાળા વિસ્તારો તરબતર થઈ ગયા હતા. જાે કે, વરસાદ બાદ ઠંડક થતાં લોકોએ રાહત અનુભવી હતી. વડોદરામાં આજે ૧૦ મિ.મી., વાઘોડિયામાં ૧૩ મિ.મી., પાદરા, કરજણ અને ડભોઈ તાલુકામાં હળવો વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગે આગામી પાંચ દિવસ છૂટાછવાયા વરસાદની આગાહી આપી છે ત્યારે હજુ બે-ત્રણ દિવસ હળવો વરસાદ થાય તેવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે.

આજવામાંથી ૬૦૦૦ કયુસેક પાણી છોડાયું

વડોદરા. ઉપરવાસમાં વરસાદને પગલે આજવાની સપાટી વહેલી સવારે ૨૧૨.૯૦ ફૂટે પહોંચી હતી. ૩૦મી સુધી લેવલ ૨૧૨.૫૦ ફૂટ જાળવી રાખવાનું હોઈ સવારે ૭ વાગે આજવાના દરવાજા ખોલીને ૬૦૦૦ કયુસેક પાણી વિશ્વામિત્રી નદીમાં છોડવામાં આવ્યું હતું. સાંજે ૬ વાગે આજવાની સપાટી ૨૧૨.૬૫ ફૂટ અને વિશ્વામિત્રીની સપાટી ૯ ફૂટે પહોંચી હતી. મોડી રાત્રે આજવા સરોવરમાં લેવલ ૨૧૨.૫૦ ફૂટ થયા બાદ દરવાજા ફરી બંધ કરાશે.

© 2025. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution