અહિંયા દિન દહાડે આંગડીયા કર્મચારીની આંખમાં મરચાની ભૂકી નાંખી રૂ. 50 લાખની લૂંટ

સુરેન્દ્રનગર-

સુરેન્દ્રનગર જીલ્લાના થાનની આંગડીયા પેઢીનો શખ્સ પોતાના ઘરેથી થેલામાં રૂ. 50 લાખ સાથે અેક્ટીવામાં આગળ મૂકી પોતાની આંગડીયા પેઢીમાં જઇ રહ્યો હતો ત્યારે થાનની એક ગલી પાસે સામેથી પગપાળા ચાલીને આવતા ત્રણ ઇસમોએ આંગડીયા પેઢીના શખ્સ ઉપર મરચાની ભૂકી છાંટી રૂ. 50 લાખ રોકડા ભરેલો થેલો લઇને ફરાર થઇ ગયા હતા. રૂ. 50 લાખના થેલાની લૂંટ કરીને ફરાર થયેલા ત્રણેય શખ્સો સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા. સુરેન્દ્રનગર જીલ્લા પોલિસ કન્ટ્રોલ રૂમ દ્વારા ગુજરાતનાં વિવિધ પોલિસ મથકોએ જાણ કરી નાકાબંધી કરાવી કાર્યવાહી હાથ ધરી છે.

સુરેન્દ્રનગર જીલ્લાના થાનગઢની મહાલક્ષી શેરીમાં રહેતા ભરતભાઇ ધીરજલાલ દવેએ સુરેન્દ્રનગર પોલિસ કન્ટ્રોલ રૂમને જાણ કરી હતી કે, થાનગઢ મહાલક્ષ્‍મી શેરીમાં રહેતા વિરલભાઇ હસમુખભાઇ ગાંધી એમના રહેણાંક મકાનેથી રૂ. 50 લાખ રોકડા પરપલ કલરના થેલામાં લઇ પોતાના કાળા કલરના એક્ટીવાની આગળના ભાગમાં મૂકી પોતાની આંગડીયા પેઢી તરફ જઇ રહ્યાં હતા ત્યારે થાનગઢના ડોક્ટર રાણા સાહેબના દવાખાના વાળી ગલીમાં પહોંચતા સામેથી પગપાળા ચાલીને આવતા ત્રણ અજાણ્યા ઇસમોએ વિરલભાઇ હસમુખભાઇ ગાંધી ઉપર મરચાની ભૂકી ( મસાલો ) છાંટી ઝપાઝપી કરી એમની પાસે એક્ટીવા પર રાખેલો રૂ. 50 લાખનો થેલો તફડાવી ફરાર થઇ ગયા હતા. આ ઇસમો અંદાજે 20 થી 25 વર્ષની ઉંમરના મધ્યમ બાંધાના હોવાની સાથે અેમાના અેક શખ્સે લાલ કલરનું ટી-શર્ટ અને કાળા કલરનું નાઇટ પેન્ટ પહેરેલું હતુ. અને આ ત્રણેય યુવાનોએ મોંઢે લુંગી જેવુ કપડું બાંધેલું હતુ અને જેઓ નંબર વગરના મોટરસાયકલ ઉપર નાસી છૂટવામાં સફળ થયા હતા.

થાનગઢમાં ધોળા દિવસે રૂ. 50 લાખના થેલાની લૂંટ કરીને ફરાર થયેલા ત્રણેય શખ્સો સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા. ફરીયાદના આધારે સુરેન્દ્રનગર પોલિસ કન્ટ્રોલ રૂમ દ્વારા રાજકોટ સીટી અને ગ્રામ્ય, મોરબી, અમદાવાદ સીટી અને ગ્રામ્ય, બોટાદ, અમરેલી, જામનગર, ભાવનગર, મહેસાણા, પાટણ, કચ્છ અને ગાંધીધામ સહિતના જીલ્લાઓની પોલિસ દ્વારા નાકાબંધી તેમજ બાકીની જીલ્લા પોલિસ દ્વારા વોચ-તપાસ ગોઠવી અસરકારક વાહન ચેકીંગ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution