વડોદરા-

વડોદરાના ચકચારી હાઈ પ્રોફાઈલ રેપ કેસના મુખ્ય આરોપી રાજુ ભટ્ટને આજે ગોત્રી હોસ્પિટલમાં મેડિકલ તપાસ માટે મોકલવામાં આવ્યો હતો. જ્યાં રાજુ ભટ્ટનાં સ્પર્મ સેમ્પલ લેવામાં આવ્યા હતા, અને સ્પર્મ સેમ્પલ લઈને  સુરત FSLમાં મોકલી આપવામાં આવ્યા છે. વડોદરા ક્રાઈમ બ્રાંચના એસીપી ડી.એસ.ચૌહાણે જણાવ્યું હતું કે આરોપી રાજુ ભટ્ટના સ્પર્મ સેમ્પલ લીધા હતા, અને તેને સુરત FSLમાં તપાસ માટે મોકલવામાં આવ્યા છે. દુષ્કર્મ કેસમાં પકડાયેલા પાવગઢના ટ્રસ્ટી રાજુ ભટ્ટને જૂનાગઢ પોલીસ પાસેથી કબજો મેળવીને ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ મંગળવારે બપોરે 3 વાગે જૂનાગઢથી વડોદરા રવાના થઇ હતી અને રાત્રે 10-45 વાગે તેને ક્રાઇમ બ્રાન્ચની કચેરીમાં લવાયો હતો. પોલીસથી બચવા 8 દિવસ સુધી ભાગેલો રાજુ ભટ્ટ પોલીસને ચકમો આપવાની તૈયારીમાં હતો ત્યારે જ પોલીસે તેને દબોચી લીધો હતો, જેથી તે બેચેન બની ગયો હતો. જૂનાગઢથી વડોદરા સુધીના 7થી 8 કલાકની લાંબી સફરમાં રાજુ ભટ્ટ મૌન બનીને બેસી રહ્યો હતો. અને પોલીસ પુછે તેટલો જ જવાબ આપતો હતો.

દુષ્કર્મ કેસમાં અશોક જૈન ફરાર હોવાના કારણે પોલીસે અદાલતમાં તેનું સીઆરપીસી 70 મુજબના વોરંટની માગણી કરી હતી. સુનાવણીમાં અદાલતના ધ્યાન પર આવ્યું હતું કે, આરોપીએ આગોતરા જામીન અરજી મૂકી છે અને ત્યાર બાદ અદાલતનું વલણ જોતાં ક્રાઇમ બ્રાન્ચના અધિકારીએ સીઆરપીસી 70 મુજબની અરજી વિડ્રો કરી હતી. જોકે, અધિકારીના જણાવ્યા મુજબ જામીન અરજીનો ઓર્ડર થયા બાદ તેના આધારે વોરંટ મેળવવા માટેની આગળની કાર્યવાહી કરવામાં આવશે. દુષ્કર્મ કેસના આરોપી અશોક જૈને હાલ આગોતરા જામીન અરજી મુકી છે અને તેની સુનાવણી બુધવારે થવાની હતી. જોકે, તપાસ અધિકારીએ દુષ્કર્મ કેસના બે આરોપીની ધરપકડ કરવામાં આવી હોય તેની તપાસમાં પોલીસ વ્યસ્ત હોવાના કારણે સોગંદનામુ રજૂ કરવા માટે મુદતની માંગણી કરતાં ન્યાયાધીશે અરજીની વધુ સુનાવણી 4 ઓક્ટોબર રોજ રાખવાનું ઠરાવ્યું હતું.