વડોદરા, તા.૭

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના કમાટીબાગ સ્થિત ઝૂમાં પ્રવાસીઓમાં આકર્ષણ રૂપ રહેલું હિમાલય રીંછનું ઉંમરને લીધે મૃત્યુ થયું છે. કમાટીબાગના પ્રાણીસંગ્રહાલયમાં કોઈ રીંછ નથી. ગત તા.૩૦ જૂને હિમાલય રીંછના શ્વાસ ધીમા પડી ગયા હતા અને બાદમાં તેનું મૃત્યુ થયું હતું. વર્ષ ૨૦૦૮માં વડોદરા લાવવામાં આવેલા રીંછની ઉંમર આશરે ૩૩ વર્ષની હતી, જે માત્ર એક આંખે બરાબર જાેઈ શકતું હતું. બીજી આંખે તેને મોતિયો થઈ ગયો હતો.

સામાન્ય રીતે રીંછ જંગલ વિસ્તારમાં ૨૨ થી ૨૪ વર્ષ જીવે છે અને પ્રાણી સંગ્રહાલયમાં ૨૫ થી ૨૭ વર્ષ જીવે છે. જંગલ વિસ્તાર કરતાં પ્રાણી સંગ્રહાલયમાં કોઇપણ પ્રાણીનું આયુષ્ય વધુ રહે છે, કારણ કે જંગલમાં પ્રાણીઓને પડકારોનો સામનો કરવો પડે છે, પોતાની જાતે જાેવાનું હોય છે. જ્યારે પ્રાણીસંગ્રહાલયમાં પ્રાણીની સારસંભાળ રાખવામાં આવે છે. ખોરાક, સાજા-માંદા હોય ત્યારે દવા પણ અપાય છે. ઠંડી, તડકો અને વરસાદમાં રક્ષણ મળી રહે છે. આ રીંછ વર્ષ ૨૦૦૮માં જૂનાગઢથી વડોદરા લાવવામાં આવ્યું હતું, જેની આવરદા આમ તો પાંચ વર્ષ પહેલાં જ પૂરી થઈ હોય તેમ જણાતું હતું, પરંતુ તેની સારસંભાળ રખાતાં પાંચ વર્ષ વધુ જીવી શક્યું. રીંછ શિડયુલ એકનું જાનવર છે. તેનું મૃત્યુ થતાં પંચનામું અને પીએમ કરાયું હતું. સેમ્પલ આણંદ કોલેજ મોકલ્યા હતા. બાદમાં ઝૂમાં જ અગ્નિદાહ અપાયો હતો. હવે વડોદરા ઝૂ સત્તાધીશો રીંછની જાેડી લેવા પ્રયત્નશીલ છે. માદા રીંછ મળી શકે તેમ છે, નર રીંછ મળતા નથી. આ માટે ગુજરાત બહારથી લાવવું પડશે.