વડોદરા, તા.૧૫

શહેરમાં વિતેલા છેલ્લા ર૪ કલાક દરમિયાન માર્ગ અકસ્માતના બે બનાવો પામ્યા હતા. જેમાં એક પરિણીતા અને કિશોરનું મોત નીપજ્યું હતું. પોલીસે અકસ્માત મોતના બનાવ અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના ખાખરિયા ગામે રહેતા કનુભાઈ મંગળભાઈ સેનવા અને તેમના પત્ની પ્રેમિલાબેન સેનવા (ઉં.વ.રર) બાઈક ઉપર ડાકોર સાસરીમાં લગ્નપ્રસંગમાં ગયાં હતાં, ત્યાંથી લગ્નપ્રસંગ પતાવી કરજણ ખાતે રહેતા તેમના કાકાના દીકરા પાસે નાણાં લેવા માટે ને.હા. પર જાંબુઆ બ્રિજ પરથી પસાર થઈ રહ્યાં હતાં એ દરમિયાન આજે સવારે આ જાંબુઆના સાંકડા બ્રિજ પર અજાણ્યા વાહનચાલકે બાઈકને ટક્કર મારતાં બાઈકની પાછળ બેઠેલાં પ્રેમિલાબેન રોડ પર પટકાતાં તેણીને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે પતિ કનુભાઈને નાની મોટી ઈજાઓ થઈ હતી. અકસ્માત બાદ અજાણ્યો વાહનચાલક બનાવસ્થળેથી ફરાર થઈ ગયો હતો. અકસ્માત મોતના બનાવની જાણ મકરપુરા પોલીસ મથકને કરવામાં આવતાં પોલીસ ઘટનાસ્થળે આવી પહોંચી હતી અને કાયદેસરની કાર્યવાહી કરી પરિણીતાના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં ખસેડયો હતો.

જ્યારે બીજા બનાવમાં શહેરના ન્યુ સમા રોડ પર ગાયત્રી ફલેટમાં રહેતો ૧૩ વર્ષીય યુવસિંગ દ્વારકેશસિંગ ચૌહાણ ગઈકાલે ન્યુ સમા રોડ પર ચાણકયપુરી ચાર રસ્તા પાસે એક્ટિવા લઈને જતો હતો, તે વખતે તે કોઈ કારણોસર રોડ ડિવાઈડર સાથે અથડાયો હતો. જેમાં તેને શારીરિક ગંભીર ઈજાઓ થતાં તેનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું.