વડોદરા, તા.૨૪

શહેરના સયાજગંજ સ્થિત પરશુરામ ભઠ્ઠા પાસે નટરાજ ટાઉનશિપ સામે આજે વહેલી સવારે રેલવે તંત્ર દ્વારા રેલવેની જગ્યા ઉપર બનાવવામાં આવેલી ખોડિયાર માતાજીની દેરી અને એક દરગાહ ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવતા ભારે વિવાદ સર્જાયો હતો. જાેકે, એકઠા થયેલા લોકો ઉગ્ર સ્વરૂપ ધારણ કરે તે પહેલા પોલીસ તંત્ર દ્વારા કેટલાક લોકોની અટકાયત કરી હતી.મંદિર અને દરગાહ રેલવે તંત્ર દ્વારા તોડી પડાતા સ્થાનિક રહિશોએ રોષ વ્યક્ત કર્યો હતો.

પ્રાપ્ત માહિતી મુજબ બે માસ પહેલા રેલવે વિભાગ દ્વારા રેલવે લાઇનને અડીને પરશુરામ ભઠ્ઠા નટરાજ ટાઉનશિપ પાસે રેલવેની જગ્યામાં વર્ષોથી બનેલા ગેરકાયદે કાચા-પાકા મકાનો દૂર કરી દેવામાં આવ્યા હતા. પરંતુ, રેલવે તંત્ર દ્વારા આ જગ્યા ઉપર બનાવેલા ખોડિયાર માતાના મંદિરની દેરી અને દરગાહ દૂર કરવામાં આવી ન હતી. ગઈકાલે સ્થાનિકોને નોટિસ દ્વારા મંદિર અને દરગાહ દૂર કરી દેવા માટે જાણ કરવામાં આવી હતી. જેને પગલે એકઠા થયેલા રહિશોએ રેલવે તંત્ર દ્વારા આપવામાં આવેલી નોટીસનો વિરોઘ કર્યો હતો.

દરમિયાન આજે સવારે ૫ વાગે રેલવે તંત્ર દ્વારા રેલવેની જગ્યા ઉપર બનાવવામાં આવેલા ખોડિયાર માતાનું મંદિર અને દરગાહ પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. સવારે ૫ વાગે પોલીસ બંદોબસ્ત સાથે પહોંચેલા રેલવે તંત્રના સંબંધિત વિભાગ દ્વારા દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવતા સ્થાનિક લોકો ટોળા એકઠા થઈ ગયા હતા અને તંત્ર સામે વિરોધ પ્રદર્શિત કર્યો હતો. જાેકે, સ્થાનિક લોકો ઉગ્ર દેખાવો કરે તે પહેલા પોલીસે કેટલાક લોકોની અટકાયત કરી દીધી હતી.

સ્થાનિક રહિશોએ જણાવ્યું હતું કે, રેલવે તંત્ર દ્વારા બે માસ પૂર્વે અમારા કાચા-પાકા મકાનો તોડવા માટે નોટિસ આપતા અમે સ્વૈચ્છિક રીતે દૂર કર્યા હતા. પરંતુ, ૭૦ વર્ષ જુના માતાજીના મંદિર તેમજ દરગાહને આજે દૂર કરી દેવામાં આવ્યું હોવાથી અમે વિરોધ કરી રહ્યા છે.