વડોદરા, તા.૬

આસુરી શક્તિ પર દૈવીશક્તિના વિજયના પર્વ એવા હોળીની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી. શહેરમાં ઠેર-ઠેર હોળીનું દહન કરવામાં આવ્યું હતું. શહેરની સોસાયટીઓના નાકે, પોળોમાં, ચાર રસ્તાઓ ઉપર હોલિકાદહન કરી શ્રદ્ધાભેર પૂજન કરવામાં આવ્યું હતું. શ્રદ્ધાળુઓએ હોળી માતાને ધાણી, ચણા, ખજૂરનું નૈવેદ્ય અર્પણ કર્યું હતું અને હોળી પ્રાગટ્ય ફરતે પ્રદક્ષિણ કરી શારીરિક સુખાકારીની પ્રાર્થના કરી હતી.

હોળી ક્યારે કરવી તેની અવઢવ છેલ્લાં કેટલાંય દિવસથી ચાલી રહી હતી. જ્યોતિષોમાં પણ મતમતાંતર હતા. જાે કે, સોમવારે ચતુર્દશી પર પૂર્ણિમા થતી હોવાથી અને એ પૂર્ણિમા મંગળવારે સાંજે ૬.૧૧ કલાકેુ પૂર્ણ થતી હતી, તેથી મોટાભાગના જ્યોતિષોએ શાસ્ત્રનો મત આગળ ધરી સોમવારે જ હોળીનું દહન કરવું તેવો મત વ્યક્ત કર્યો હતો. તેથી મોટાભાગના સ્થળોએ સોમવારે સાંજે ૬.૪પ કલાકથી ૮.૩૦ કલાક દરમિયાન હોળીનું દહન કરવામાં આવ્યંુ હતું.પર્વ અગાઉ બજારોમાં ભારે રોનક જાેવા મળી હતી. છેલ્લા બે-ત્રણ દિવસથી બજારમાં ધાણી, ચણા, ખજૂરની દુકાનોમાં ભારે ભીડ જાેવા મળી હતી. કોરોનાના કપરા કાળ બાદ ફરી એકવાર દરેક તહેવારની ઉત્સાહભેર ઉજવણીનો માહોલ છવાયેલો જાેવા મળી રહ્યો છે. આસુરી શક્તિ પર દૈવીશક્તિના વિજય પર્વ હોળી-ધુળેટીના પર્વની ખાસ મહત્ત્વતા રહેલી છે. સોસાયટી, પોળ સહિત વિસ્તારોમાં વહેલી સવારથી જ હોળી દહનની તૈયારીઓ આરંભી દેવાઈ હતી. લાકડાં, છાણાં વગેરેની વ્યવસ્થા કરવામાં આવી હતી. કેટલાક સ્થળોએ હોળી ફરતે આકર્ષક રંગોળી પણ કરવામાં આવી હતી.

સાંજના ૬.૪પ કલાકથી ૮.૩૦ કલાક દરમિયાન હોળીની પરંપરાગત રીતે પૂજા-અર્ચના કરવામાં આવી હતી અને ત્યાર બાદ હોળીનું દહન કરવામાં આવ્યું હતું. શ્રદ્ધાળુઓ દ્વારા હોળી માતાને ધાણી, ચણા, ખજૂરનું નૈવેદ્ય અર્પણ કરાયું હતું. તો હોળીના તાપે તપવાથી શારીરિક સુખાકારી જળવાઈ રહેતી હોવાની માન્યતાને લઈને શ્રદ્ધાળુઓ દ્વારા હોળી ફરતે પ્રદક્ષિણ પણ કરવામાં આવી હતી. શહેરના માંજલપુર, હરણી સહિતના કેટલાક વિસ્તારોમાં પરંપરાગત રીતે હોળી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જાે કે, હોળીના એક દિવસ બાદ ધુળેટી પર્વની ઉજવણી કરાશે, જેની તૈયારીઓ પણ રંગોત્સવના શોખીનો દ્વારા કરવામાં આવી છે.

હોળાષ્ટક પૂર્ણ થતાં પુનઃ માંગલિક કાર્યો કરી શકાશે

હોળીના દહન સાથે જ હોળાષ્ટકના કમૂહૂર્તાની પુર્ણાહૂતિ થાય છે. તેથી હવે આગામી એક સપ્તાહ સુધી સારા મુહૂર્ત હોવાથી માંગલિક કાર્યો કરી શકાશે. લગ્ન સહિત શુભપ્રસંગો હોળાષ્ટક દરમિયાન કરી શકાતા નથી. હોળાષ્ટકની પુર્ણાહૂતિ હોળી દહન સાથે થતી હોય છે. તેથી આવતીકાલથી પુનઃ માંગલિક કાર્યોની ભરમાર જામશે. આ વરસે આખો એપ્રિલ અને વૈશાખની સુદ બારસ સુધી મીનારક કમુહૂર્તા છે તેથી હોળી પછીના એક જ સપ્તાહ સુધી મુહૂર્ત હોવાથી પુનઃ શહેનાઈના સૂર ગૂંજી ઊઠશે.