દિલ્હી-

કેન્દ્રીય ગૃહસચિવ અજય ભલ્લાએ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પાઠવેલા પત્રમાં જણાવ્યું કે હજુ કોરોનાની બીજી લહેર પૂરી થઈ નથી. તમામ રાજ્યોએ ભીડને કાબૂમાં લેવાના પગલાં ભરવા જાેઈએ. કોરોના પ્રતિબંધોમાં છૂટને જરા પણ અવકાશ નથી.અજય ભલ્લાએ રાજ્યોના મુખ્ય સચિવોને પાઠવેલા પત્રમાં જણાવ્યું કે સ્થાનિક વહિવટી તંત્રને ભીડને નિયંત્રીત કરવા તથા કોરોનાના વ્યવસ્થાપન માટે જરુરી પગલાં ભરવાનો આદેશ આપવો જાેઈએ. દેશમાં કોરોનાના નિયમોમાં થઈ રહેલા ભંગના મુદ્દે ગંભીર ચિંતા વ્યક્ત કરતા કેન્દ્ર સરકારે જણાવ્યું કે લોકો ત્રીજી લહેરની આગાહીને હવામાનની આગાહી જેવી ગણી રહ્યાં છે.

પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયને સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યું કે જુલાઈમાં કોરોનાના અંદાજે ૭૩.૪ ટકા કેસો કેરળ, મહારાષ્ટ્ર, તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને ઓડિશામાં નોંધાયા છે. તેમણે વધારે એવી જાણકારી આપી કે મહારાષ્ટ્ર, છત્તીસગઢ, આસામ સહિત ૧૧ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કેન્દ્રીય ટીમો મોકલવામાં આવી છે.

તેમણે કહ્યું કે મણીપુર, મિઝોરમ, ત્રિપુરા, અરુણાચલપ્રદેશ, જેવા બીજા કેટલાક રાજ્યોમાં કેસોમાં નજીવો વધારો થઈ રહ્યો છે. જ્યારે લોકો ત્રીજી લહેર વિશે વાતો કરતા હોય છે ત્યારે તેઓ તેને હવામાનની આગાવી જેવી ગણી રહ્યાં છે અને તેની ગંભીરતા તથા જવાબદારીનો તેમને કોઈ ખ્યાલ હોતો નથી. નીતિ આયોગના મેમ્બર ડોક્ટર વી.કે પોલે જણાવ્યું કે વિશ્વમાં ત્રીજી લહેર ચાલી રહી છે અને ભારતમાં આ લહેર ન આવે તેની ખાતરી રાખવા માટે આપણા સહુએ પ્રયાસ કરવો પડશે. વિશ્વ ત્રીજી લહેરનું સાક્ષી બની રહ્યું છે ભારતમાં કોરોનાની ત્રીજી લહેર ન આવે તેનું ધ્યાન રાખવા માટે આપણે સહુએ હાથ મિલાવવા પડશે. તેમણે કહ્યું કે આજે પ્રધાનમંત્રીએ સ્પસ્ટ શબ્દોમાં કહ્યું કે દેશમાં ત્રીજી લહેરની ચર્ચા કરવાને બદલે આપણે તેને દૂર રાખવાના પ્રયાસો પર ધ્યાન કેન્દ્રીય કરવું જાેઈએ.