એસ્ટ્રિંજન્ટએ એવી બ્યૂટી પ્રોડક્ટ છે જે ચહેરાને સાફ કરવા માટે ખૂબ ઉપયોગી છે. જે ત્વચાના છિદ્રોને ટાઇટ કરે છે અને ખીલ થતાં અટકાવે છે. એક પ્રાકૃતિક અને હોમમેડ એસ્ટ્રિંજન્ટ ચહેરાની સમસ્યાને દૂર કરે છે. એસ્ટ્રિંજન્ટ તૈલી, સૂકી અને કોમ્બિનેશન સ્કીન માટે ઉત્તમ પરિણામ આપે છે. તો ચાલો આજે જાણી લો કે, ઘરે કેવી રીતે સ્કીન ચમકાવતું એસ્ટ્રિંજન્ટ તૈયાર થઈ શકે?

લીંબુ તથા સંતરાનું એસ્ટ્રિંજન્ટ: 

સંતરાની સૂકાયેલી છાલનો પાઉડર બનાવીને તેમાં લીંબુના રસના થોડાં ટીપાં ઉમેરીને પેસ્ટ બનાવી લેવી. ત્યારબાદ તેને થોડીવાર માટે ચહેરા પર લગાવી રાખવું. આમ કરવાથી મૃત ત્વચા નીકળી જશે અને ઘણાખરા બ્લેક હેડ્સ પણ નીકળી જશે. અઠવાડિયામાં બેથી ત્રણ વાર આ હોમમેડ એસ્ટ્રિંજન્ટ પેસ્ટને ચહેરા પર ગળા પર તથા ગરદન પર લગાવી શકાય છે.

કાકડીનું એસ્ટ્રિંજન્ટ:

કાકડીનું એસ્ટ્રિંજન્ટ ચહેરાને ચોખ્ખો કરે છે અને ચહેરાની રંગત પણ નિખારે છે. જો ચહેરા પર કાળાં ધબ્બા હોય તો કાકડીની સ્લાઇઝ એ ડાઘા પર રાખી મૂકવી. આમ નિયમિત કરવાથી કાળા ધબ્બા ધીરે ધીરે દૂર થાય છે. તૈલી સ્કીન માટે પણ કાકડીનો રસ ઘણો ઉપયોગી છે.

નિયમિત રીતે ચહેરાની સફાઈ કરવા માટે કાકડીને ક્રશ કરી તેનો રસ કાઢીને રૂની મદદથી ચહેરા પર લગાવવો જોઈએ. તમે કાકડીના રસમાં લીંબુનો રસ પણ ઉમેરી શકો છો. આ રીતે ચહેરો સાફ કરવાથી ચહેરા પર ગ્લો આવી જશે અને ત્વચા થોડી ટાઇટ લાગશે.

ચંદન એસ્ટ્રિંજન્ટ:

આ એસ્ટ્રિંજન્ટ બનાવવા તમે ચંદન પાઉડર અથવા તો ચંદનના તેલનો ઉપયોગ કરી શકો છો. ચંદનના પાઉડરને મધ, બદામનું તેલ કે ગુલાબજળમાં મિક્સ કરીને લગાવી લેવું. તમે એમાં થોડો બેકિંગ પાઉડર પણ મિક્સ કરી શકો છો. આ પેસ્ટને ચહેરા પર લગાવીને બે ત્રણ મિનિટ બાદ મોં ધોઈ નાખવું. આ પેસ્ટ મોટા ભાગે સૂકી ત્વચાવાળી યુવતીઓને ફાયદો કરાવશે.

ગુલાબજળ:

ઘરમાં કાયમીપણે જોવા મળતું આ એકદમ હાથવગું એસ્ટ્રિંજન્ટ છે. ગુલાબજળમાં લીંબુનો રસ ઉમેરીને કોટન રૂથી ચહેરો સાફ કરવાથી ચહેરા પર ચમક આવી જશે. દિવસમાં એકવાર તો આ રીતે ચહેરો સાફ કરવો જ જોઈએ.