હાલ દેશભરમાં લોકડાઉન ચાલી રહ્યું છે. એવામાં પરિવારના દરેક સભ્યો ઘરે જ છે અને ઘરેથી જ કામ કરી રહ્યાં છે. આ સમયે રોજ શું બનાવવું એ સૌથી મોટી સમસ્યા છે. એમાં પણ બાળકોને કે મોટાઓને સાંજે કે સવારે ભૂખ લાગે તો શું નાસ્તો આપવો એ સમજાતું નથી. જેથી આજે અમે તમારા માટે ઘરમાં જ ઉપલબ્ધ હોય એવી સામગ્રીમાંથી બનતા પૌવાના ટેસ્ટી હાંડવાની રેસિપી લઈને આવ્યા છે. જે ઘરના લોકો એકવાર ખાશે તો વારંવાર બનાવવાનું કહેશે. ચોક્કસથી એકવાર ટ્રાય કરજો.

સામગ્રી:

2 કપ પૌવા,3 ચમચી બેસન,3 ચમચી દહીં,1 ડુંગળી,1 કેપ્સિકપ,1 ટામેટું,3 લીલાં,મરચા,1/4,ચમચી હળદર,1 ચમચી લાલ મરચું,અડધી ચમચી ગરમ મસાલો,1/4 ચમચી કાળા મરીનો પાઉડર,1 ચમચી કસૂરી મેથી,1 ચમચી મીઠું,1/4 ચમચી ખાવાનો સોડા

રીત :

સૌથી પહેલાં પૌવા લઈને 2વાર ધોઈને પાણીમાં પલાળી દો. 5 મિનિટ પછી પૌવા નિતારીને તેમાં દહીં, બેસન, ડુંગળી ઝીણી સમારેલી, કેપ્સિકપ ઝીણું સમારેલું, ટામેટું ઝીણું સમારેલું, લીલાં મરચા ઝીણાં સમારેલા, હળદર, મરચું, મીઠું, ગરમ મસાલો, કસૂરી મેથી, થોડી સમારેલી કોથમીર, ખાવાનો સોડા, 2 ચમચી ઓઈલ, ખાવાનો સોડા નાખીને બધું જ બરાબર મિક્સ કરી લો. તમે આમાં તમારા પસંદની શાકભાજી ઉમેરી શકો છો અથવા તો ડુંગળી નહીં નાખો તો પણ ચાલશે. બધું બરાબર મિક્સ કરીને તેમાં ટેસ્ટ માટે 1 ચમચી ખાંડ પણ નાખી શકો છો. આ મિશ્રણને એક કેક ટીન અથવા તો વાટકામાં કાઢી લો. હવે ઈડલીનું સ્ટીમરમાં પાણી મૂકીને ગરમ કરવા મૂકવું અને તેમાં એક રીંગ કે સ્ટેન્ડ અથવા વાટકી મૂકીને તેની પર કેક ટીન મૂકી દો. પછી ઢાંકીને હાઈ ફ્લેમ પર 25 મિનિટ સુધી થવા દો.

વધાર માટે:

હવે તેનો વધાર કરવા એક કડાઈમમાં 4 ચમચી તેલ મૂકી તેમાં 1 ચમચી રઈ, 1 ચમચી તલ, લીમડો નાખી પછી પૌવાના હાંડવાને ટીનમાંથી કાઢીને વધારની કડાઈમાં નાખો. પછી બંને સાઈટ ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લો. બસ તૈયાર છે પૌવાનો હાંડવો.