વડોદરા : તાજેતરમાં સયાજી હોસ્પિટલમાં કોવીડ આઈસીયુમાં આગની દુર્ઘટના ઘટી તે સમયે સારવાર હેઠળના દર્દીઓની જીવન રક્ષાની કર્તવ્ય પરાયણતાનો ઉજ્જવળ દાખલો બેસાડનાર તબીબો અને નર્સ બહેનો સહિતના આરોગ્ય કર્મયોગીઓ, સેવકો, અગ્નિશમન અને સુરક્ષા સેવકોનું ખાસ ફરજ પરના અધિકારી અને શિક્ષણ સચિવ ડો.વિનોદ રાવના હસ્તે શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. ડો.રાવે સયાજી હોસ્પિટલની મુલાકાત સમયે તમામ સંબંધિત અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ સેવકોનો આભાર માનતા ડો.વિનોદ રાવે જણાવ્યું કે, જાતને જોખમમાં મૂકીને તમે કરેલી દર્દીઓના જીવનની રક્ષાની નિસ્વાર્થ અને સાહસિકતા ભરેલી સેવાઓ માટે વડોદરા તમારું આભારી છે અને સહુ તમારા ઋણી રહીશું.