બનાસકાંઠા : ગુજરાતીઓના સૌથી મનપસંદ એવા રાજસ્થાનના માઉન્ટ આબુ હિલ સ્ટેશન પર એક હોટલના સંચાલકોએ ગુજરાતી પર્યટકોને દોડાવી દોડાવીને માર્યા હોવાની ઘટના સામે આવી છે. જેમાં ત્રણ પર્યટકોને ગંભીર ઈજા પહોંચતા આબુરોડ પોલીસે સારવાર અર્થે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે. ગુજરાતીઓનું સૌથી વધુ પસંદીતા અને નજીકનું હિલ સ્ટેશન એટલે માઉન્ટ આબુ. અહીં વર્ષે દા’ડે લાખો ગુજરાતીઓ ફરવા માટે અને રજાઓ માણવા માટે આવતા હોય છે. આજ પસંદીતા સ્થળ પર એક હોટલ સંચાલકોએ ૩ ગુજરાતી પર્યટકોને દોડાવી દોડાવીને માર્યા હોવાની ઘટના બની છે. જેમાં મહેસાણા જિલ્લાના સતલાસણા ગામના ભવાનીસિંહ અને કુલદીપસિંહ સહિત ત્રણ મિત્રો એન્જોય કરવા માટે ગયા હતા. તે દરમિયાન ગત મોડી રાત્રે જય અંબે હોટેલના સંચાલકો સાથે પાણીની બોટલ અને જમવા બાબતે બોલાચાલી થઇ હતી. બોલાચાલી દરમ્યાન ઉશ્કેરાઈ ગયેલા હોટલના સંચાલકોએ આ ત્રણેય પર્યટકો સાથે ગાળાગાળી અને મારપીટ શરૂ કરી હતી. જોકે આ હોટલના સંચાલકો એટલા બેફામ અને ગુંડાગીરી પર ઊતરી આવ્યા હતા કે આ ત્રણેય પર્યટકોને દોડાવી દોડાવીને માર્યા હતા તેમના કપડાં પણ ફાડી નાખ્યા હતા. આ ત્રણેય પર્યટકો પર કુહાડી સહિતના હથિયારો વડે હુમલો કરતાં ગંભીર ઈજા પહોંચી હતી. બનાવને પગલે આબુરોડ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને ત્રણેય ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Loading ...