રાહુલે અદાણી-અંબાણી પાસે કેટલું ‘ફંડ’ લીધું?

રાહુલે અદાણી-અંબાણી પાસે કેટલું ‘ફંડ’ લીધું?

કરીમનગર

લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન પૂરું થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેલંગાણા અને આંધ્રપ્રદેશના પ્રવાસે આવ્યા છે. વડાપ્રધાન મોદીએ તેલંગાણાના કરીમનગર જિલ્લામાં જનસભાને સંબોધિત કરતા કોંગ્રેસ પર શાબ્દિક પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે ગઈકાલે દેશમાં ત્રીજા તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે અને કોંગ્રેસ અને ઈન્ડિયા ગઠબંધનનો ત્રીજાે ફ્યુઝ ઉડી

ગયો છે.

‘તમે જાેયું હશે કે કોંગ્રેસના શહેજાદા છેલ્લાં પાંચ વર્ષથી ઉઠીને ‘પાંચ ઉદ્યોગપતિ, પાંચ ઉદ્યોગપતિ’ની માળા જપતા હતા. જાે કે તેમનો રાફેલવાળો કેસ ગ્રાઉન્ડેડ થઈ ગયો ત્યારે તેમણે નવી માળા જપવાની શરૂઆત કરી, અંબાણી-અદાણી, અંબાણી-અદાણી, અંબાણી-અદાણી. હવે જ્યારથી ચૂંટણી જાહેર થઈ છે ત્યારથી તેમણે અંબાણી-અદાણીને ગાળો આપવાનું બંધ કરી દીધું છે. હવે શહેજાદા જાહેર કરે કે, તેમણે અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો છે?’ તેલંગાણાના કરીમ નગરમાં આયોજિત એક ચૂંટણી સભામાં વડાપ્રધાન મોદીએ રાહુલ ગાંધી પર આ ગંભીર આરોપ લગાવ્યા હતા.

વડાપ્રધાન મોદી આ આરોપ લગાવ્યા પછી અટક્યા ન હતા. તેમણે કહ્યું કે, ‘રાહુલ ગાંધી જાહેર કરે કે, તેમણે ચૂંટણીમાં અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો છે.

કાળાં નાણાંના કેટલા બોરા ભરીને નાણાં લીધા છે? શું ટેમ્પો ભરીને કોંગ્રેસને કાળું નાણું પહોંચ્યું છે? એવો કયો સોદો થયો કે, તેમણે રાતોરાત અંબાણી-અદાણીને ગાળો આપવાનું બંધ કરી દીધું? જરૂર દાળમાં કંઈક કાળું છે. પાંચ વર્ષ સુધી અંબાણી-અદાણીને ગાળો આપી અને પછી રાતોરાત ગાળો આપવાનું બંધ કરી દીધું. તેનો અર્થ એ છે કે, જરૂર કોઈ ને કોઈ ચોરીનો માલ ટેમ્પો ભરી ભરીને તમે મેળવ્યો છે.

તમારે દેશને જવાબ આપવો પડશે.’ જાે કે વડાપ્રધાન મોદીના આ નિવેદન અને આટલા ગંભીર આરોપ પછી એવો સવાલ થાય છે કે, અંબાણી-અદાણી વિરુદ્ધ મોદી સરકાર કોઈ કાર્યવાહી કેમ નથી કરતી? જાે રાહુલ ગાંધીએ કાળાં નાણાંનો કોઈ સોદો કર્યો હોય અને વડાપ્રધાન મોદી પાસે તેની થોડી ઘણી પણ માહિતી હોય તો સરકાર ચૂપ કેમ છે? શું આ ગંભીર આરોપ છે કે ફક્ત ચૂંટણી પ્રચારની વ્યૂહનીતિ? એટલું જ નહીં, સવાલ તો એ પણ છે કે શું ઈડી ફક્ત સામાન્ય લોકોની જ તપાસ કરશે કે પછી આ પ્રકારના આરોપોને પણ ગંભીરતાથી લઈને કાર્યવાહી કરશે? વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ‘તેલંગાણાની સ્થાપના સમયે અહીંના લોકોએ ભારત રાષ્ટ્ર સમિતિ પર વિશ્વાસ કર્યો હતો, પરંતુ તેમણે લોકોના સપનાં તોડી નાખ્યા. કોંગ્રેસનો પણ ઈતિહાસ આવો જ છે. આઝાદી પછી કોંગ્રેસે પણ એવું જ કર્યું હતું. દેશ ડૂબી જાય તો ડૂબી જાય, પણ તેના પરિવારને કોઈ ફરક પડતો નથી. ફેમિલી ફર્સ્ટની નીતિને કારણે કોંગ્રેસે પી.વી. નરસિમ્હા રાવનું અપમાન કર્યું. તેમના મૃત્યુ બાદ તેમના પાર્થિવ દેહને કોંગ્રેસ કાર્યાલયમાં પ્રવેશવા પણ ના દેવાયો. જાે કે ભાજપ સરકારે પી. વી. નરસિમ્હા રાવને ભારત રત્નથી સન્માનિત કર્યા હતા.

વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે કોંગ્રેસ પાર્ટી એસસી, એસટી અને દલિતોનો અનામતનો અધિકાર છીનવી લેવા માંગે છે. કોંગ્રેસ મુસ્લિમ સમુદાયને તેમનું આરક્ષણ આપવા માંગે છે. કલ્યાણ સુનિશ્ચિત કરવું એ ન તો કોંગ્રેસનું વિઝન છે કે ન તો તેમનો એજન્ડા. કોંગ્રેસ માત્ર પોતાની વોટ બેંકને બચાવવા માંગે છે. આ ભ્રષ્ટ પક્ષ તુષ્ટિકરણની નીતિમાં સંપૂર્ણપણ ડૂબેલો છે.

ઉલ્લેખનીય છે કે થોડા દિવસો અગાઉ ગુજરાતના બનાસકાંઠાની એક ચૂંટણી રેલીમાં કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર શાબ્દિક પ્રહારો કર્યા હતા અને તેમને શહેનશાહ કહ્યાં હતા. જ્યારે રાહુલ ગાંધીએ ૪,૦૦૦ કિલોમીટર પગપાળા યાત્રા કરીને ખેડૂતો, ગરીબો સહિતના વિવિધ લોકોનો પ્રશ્નોને સાંભળ્યા હતા.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution