કેનેડામાં જઈને સેટલ થવાનું સપનું લઈ પહોંચેલા ભારતીયોના પાસા કઈ રીતે ઊંધા પડી ગયા? અત્યારે જ્યાં જુઓ ત્યાં કેનેડામાં બેરોજગારી અને મોંઘવારી વધી રહી છે. મોટાભાગના પ્રોવિન્સમાં અત્યારે ભારતીયોની સ્થિતિ કથળી ગઈ છે. એક બાજુ લોન ચૂકવવાનું ટેન્શન તો બીજી બાજુ ક્યાંય નોકરી પણ નથી મળી રહી. આમાં હવે ગુંડાઓનો ત્રાસ પણ વધી જતા ભારતીય સ્ટુડન્ટ્સને તો પડ્યા પર પાટુ વાગ્યા સમાન ઘટના બની છે. અચાનક જાેબ સેક્ટર ક્રાઈસિસ, હાઉસિંગ ક્રાઈસિસ આવતા ટ્રુડોનો દેશ કેમ ભારતીયો માટે ખરાબ સપના સમાન બની ગયો એના પર નજર કરીએ.
એક સમયે ભારતીયોનું ડ્રિમ ડેસ્ટિનેશન રહેતું એવું કેનેડા અચાનક કેવી રીતે ખરાબ સપનામાં ફેરવાઈ ગયું છે એક નહીં છેલ્લા બે દશકાઓથી ભારતીય યુવાનો કેનેડા જઈને સેટલ થવાનું પ્લાનિંગ કરતા અને સ્ટુડન્ટ વિઝા પર ત્યાં પહોંચી જતા હતા.બાદમાં પોઈન્ટ્સ એકઠા કરીને ત્યાં જ ઁઇ ફાઈલ કરી દેતા હતા. આવી રીતે હજારો ભારતીયો કેનેડામાં જઈને સેટલ થઈ ગયા હતા. પરંતુ છેલ્લા કેટલાક મહિનાઓથી ત્યાં બેરોજગારી, મોંઘવારી અને ક્રાઈસિસ એટલા વધી ગયા છે કે ૧૦થી ૧૫ વર્ષ પહેલા કેનેડા ગયેલા ભારતીયોને પણ હવે કેનેડા છોડવાના વિચારો આવવા લાગ્યા છે. કેનેડામાં અત્યારે એકબાજુ જાેબ માર્કેટ એકદમ ડાઉન થઈ ગયું છે, તો બીજી બાજુ પ્રોપર્ટીના રેટ ઊંચા થઈ ગયા છે. આ સમયે ક્રાઈમ રેટ પણ ધીમે ધીમે કેનેડામાં એટલો બધો વધી ગયો છે કે ભારતીયોને પડ્યા પર પાટુ વાગ્યું છે. હવે કેનેડાથી રિવર્સ માઈગ્રેશનનો ટ્રેન્ડ શરૂ થવા લાગ્યો હોવાના અહેવાલો પણ મળી રહ્યા છે. તો પછી સવાલ એ જ થાય છે કે ટ્રુડોના આ દેશની અચાનક કાયાપલટ કેવી રીતે થઈ?
કેનેડામાં છેલ્લા કેટલાક વર્ષોથી ક્રાઈમ રેટ સતત વધી રહ્યો છે. ટોરંટો પોલીસે તાજેતરમાં કહ્યું કે ટોરંટોમાં ગત વર્ષ કરતા આ વર્ષે ઘરોમાં ચોરી થવાના કેસમાં ૪૦૦ ટકાનો વધારો નોંધાયો છે. એટલું જ નહીં ૨૦૨૨ અને ગત વર્ષની વચ્ચે કેનેડામાં ક્રિમિનલ ગતિવિધિ કરતી ગેંગમાં એક તૃતિયાંશનો વધારો જાેવા મળ્યો છે. એર રિપોર્ટમાં દાવો કરાયો છે કે પહેલા આવી નાની મોટી ગેંગની સંખ્યા ૬૩૮ હતી, જેમાં હવે ૨૦૫ નવી ક્રિમિનલ્સની નાની-મોટી ગેંગ સક્રિય થઈ ગઈ છે. આ ગેંગ ઘરમાં ચોરી, જાહેરમાં લૂંટફાટ, હત્યા સહિતના ગુનાઓમાં સંડોવાયેલી છે. એટલું જ નહીં ભારતીય સુરક્ષા એજન્સીઓ તો દાવો કરી રહી છે કે કેનેડામાં ખાલિસ્તાની ગતિવિધિઓ અને ઈન્ટરનેશનલ ડ્રગ રેકેટમાં વધારાનું કારણ પંજાબથી આવતા કેટલાક ટેમ્પરરી રેસિડન્ટ્સનું ગ્રુપ છે. આને લીધે સ્થિતિ વધુ કથળી ગઈ છે.
ઈ્ના એક રિપોર્ટ પ્રમાણે કેનેડામાં સૌથી મોટી મુશ્કેલી અત્યારે બેરોજગારી છે. કેનેડામાં સતત સ્ટુડન્ટ વિઝા પર લોકો આવતા જ રહે છે અને તેઓ પાર્ટ ટાઈમ જાેબ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. આના લીધે નોકરીઓનું સંકટ ઊભું થયું છે. જેમ વધુને વધુ લોકો આવી રહ્યા છે, એમ એમ કેનેડામાં બેરોજગારીનો દર પણ વધી રહ્યો છે. હવે કેનેડામાં સ્થિતિ એવી થઈ ગઈ છે કે એક વેકેન્સી હોય ત્યાં એપ્લિકેશન કરવા માટે સેંકડો લોકોની લાંબી લાઈનો લાગે છે. જેમાં મોટાભાગના ભારતીય મૂળના સ્ટુડન્ટ્સ હોય છે.
બ્લૂમબર્ગના એક રિપોર્ટ પ્રમાણે ગત વર્ષે જૂનમાં ટેમ્પરરી રેસિડન્ટ્સમાં બેરોજગારી દર ૧૧ ટકા હતો, જે હવે વધીને ૧૨.૬ ટકાને પણ પાર પહોંચી ગયો છે. છેલ્લા પાંચ વર્ષોમાં આ બેરોજગારી દર ઝડપથી વધી રહ્યો છે. સ્કોટિયા બેંકના ઈકોનોમિસ્ટ ડેરેક હોલ્ટે કહ્યું કે બેરોજગારી દરમાં જે વધારો થઈ રહ્યો છે તેમાં સૌથી મોટું કારણ તો ટેમ્પરરી રેસિડન્ટ્સની સંખ્યામાં વધારો છે. ખાસ કરીને જાેવા જઈએ તો કેનેડામાં યુવા પેઢી માટે આ સમય ઘણો પડકારરૂપ સાબિત થઈ રહ્યો છે.
કેનેડામાં હાઉસિંગ એફોર્ડેબિલિટીની કટોકટી ઝડપથી વધી રહી છે, કારણ કે ઇમિગ્રન્ટ વસતિ હવે જે કેનેડામાં ઉપલબ્ધ ઘરોની સંખ્યા છે એના કરતાં પણ વધી ગઈ છે. જેના કારણે મકાનના ભાવ અને ભાડામાં ભારે વધારો થયો છે. ઊંચા વ્યાજ દરોએ આ કટોકટી વધુ વકરી છે. થોડા મહિનાઓ પહેલાં ટ્રૂડો સરકારે આ કટોકટીને ધ્યાનમાં રાખીને, આવાસ નિર્માણને વેગ આપવા માટે ૬ બિલિયન કેનેડિયન ડોલરનું કેનેડિયન હાઉસિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ શરૂ કર્યું હતું, પરંતુ આનાથી કટોકટી પર કઈ અસર નથી થઈ તે ચાલુ જ છે. ગત વર્ષે કેનેડાના ઓન્ટારિયોના નોર્થ બે ખાતે આવેલી કેનેડોર કોલેજના ૫૦થી ૧૦૦ વિદ્યાર્થીઓને આવાસના અભાવે કોલેજની બહાર રોડ કિનારે તંબુઓમાં રહેવું પડ્યું હતું. આ તમામ મુશ્કેલીઓના કારણે હવે લોકો કેનેડાથી પરત ફરવા લાગ્યા છે. છેલ્લા છ દાયકામાં કેનેડામાં વિદેશથી આવીને વસતા લોકોની સંખ્યા વધતી જ જતી હતી. પરંતુ ગયા વર્ષે ડિસેમ્બરમાં રોઇટર્સના રિપોર્ટ્સ પ્રમાણે આ ટ્રેન્ડ ધીમે ધીમે બદલાઈ રહ્યો છે. સત્તાવાર માહિતી અનુસાર વર્ષ ૨૦૨૩ના પહેલા છ મહિનામાં લગભગ ૪૨,૦૦૦ લોકો કેનેડામાંથી સ્થળાંતર થઈ ચૂક્યા છે. જ્યારે ૨૦૨૨માં ૯૩,૮૧૮ લોકો કેનેડામાંથી અને ૨૦૨૧માં ૮૫,૯૨૭ લોકો કેનેડાથી સ્થળાંતર થયા હતા. ૨૦૧૯મા કેનેડા છોડનારા ઇમિગ્રન્ટ્સનો દર બે દાયકામાં તેના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયો હતો.