14, એપ્રીલ 2025
નવી દિલ્હી |
મેહુલ ચોક્સી ભારતથી લગભગ ૬૩૯૧ કિમી દૂર છુપાયો હતો
તહવ્વુર રાણા પછી હવે ભારતનો મોસ્ટ વોન્ટેડ ભાગેડુ મેહુલ ચોક્સી પણ ભારત આવશે. પીએનબી કૌભાંડના મુખ્ય આરોપી મેહુલ ચોકસીની ધરપકડ કરાઇ છે. મેહુલ ચોક્સી ભારતથી લગભગ ૬૩૯૧ કિલોમીટર દૂર બેલ્જિયમમાં છુપાયેલો હતો. તેને લાગ્યું કે તે ભારતના ન્યાયતંત્ર અને પોલીસની પહોંચથી દૂર છે. પરંતુ ભારતમાંથી જ એક એવું છટકું ગોઠવાયું અને મેહુલ તેમા ફસાઇ ગયો. બેલ્જિયમ પોલીસે જ ભાગેડુ મેહુલ ચોકસીની ધરપકડ કરી છે. મેહુલ ચોક્સી પર પીએનબી કૌભાંડ સંબંધિત મોટા નાણાકીય કૌભાંડનો આરોપ છે. કયારેક તે એન્ટિગુઆ જતો અને કયારેક ડોમિનિકામાં છુપાઈ જતો. આ પછી તે સારવાર માટે બેલ્જિયમમાં છૂપાયો હતો. પરંતુ હવે ટૂંક સમયમાં તેને ભારતીય ધરતી પર તેના ગુનાઓની સજા મળતી જાેવા મળશે.
મેહુલ પત્ની સાથે બેલ્જિયમના એન્ટવર્પમાં રહેતો હતો
સૂત્રો કહે છે કે મેહુલ ચોક્સી તેની પત્ની પ્રીતિ ચોક્સી સાથે બેલ્જિયમના એન્ટવર્પમાં રહેતો હતો. મેહુલની પત્ની પ્રીતિ ચોક્સી બેલ્જિયમની નાગરિક છે. એવું કહેવાય છે કે, ચોક્સીએ એફ રેસીડેન્સી કાર્ડ મેળવ્યા પછી બેલ્જિયમમાં રહેવાનું શરૂ કર્યું. તે પીએનબી એટલે કે પંજાબ નેશનલ બેંક છેતરપિંડી કેસમાં વોન્ટેડ છે. મેહુલ ચોક્સીને ૧૫ નવેમ્બર, ૨૦૨૩ના રોજ બેલ્જિયમમાં રહેઠાણ પરમિટ આપવામાં આવી હતી. મેહુલ ચોકસીની ૧૧ એપ્રિલે ધરપકડ કરાઇ હતી. તેની ધરપકડની માહિતી હવે, બહાર આવી છે. ત્યારે પ્રશ્ન એ થાય છે કે, બેલ્જિયમે મેહુલ ચોકસીની ધરપકડ કેમ કરી? જેનો જવાબ છે, ભારત સાથેના સંબંધો અને તેના પર ભારતમાં નોંધાયેલા ગુનાના કારણે ધરપકડ થઇ છે.
ઇડી અને સીબીઆઇ સતત બેલ્જિયમના સંપર્કમાં રહ્યા
હા, ભારતને મેહુલ ચોક્સી બેલ્જિયમમાં હોવાના સમાચાર મળતા જ તપાસ એજન્સીઓ સતર્ક થઈ ગઈ. સીબીઆઈ અને ઇડીએ તાત્કાલિક કાર્યવાહી કરી. બેલ્જિયમનો સંપર્ક કર્યો અને મેહુલ ચોક્સી કૌભાંડ વિશે માહિતી આપી. મેહુલ ચોક્સી અંગે ઇડી અને સીબીઆઇ સતત બેલ્જિયમના સંપર્કમાં હતા. ઇડી અને સીબીઆઇએ મેહુલ ચોકસીની ધરપકડ કરવાની વિનંતી કરી હતી અને અંતે તેની ધરપકડ થઇ. હવે ભારતીય તપાસ એજન્સીઓએ તેના પ્રત્યાર્પણની તૈયારી શરૂ કરી દીધી છે.
તપાસ એજન્સીઓએ મેહુલના પ્રત્યાપર્ણ માટે વિનંતી કરી
ભારતીય એજન્સીઓએ મેહુલ ચોક્સીના પ્રત્યાર્પણ માટે બેલ્જિયમ સરકારને વિનંતી કરી છે. એજન્સીઓ મેહુલ ચોક્સીને ભારતમાં કેસનો સામનો કરવા માટે ભારત લાવવા માગે છે. મેહુલ ચોક્સીની ધરપકડ એવા સમયે થઇ છે, જ્યારે પીએમ મોદીએ તાજેતરમાં બેલ્જિયમના રાજા સાથે વાત કરી હતી. ભારતને ભાગેડુની ત્યાં હાજરીની માહિતી મળ્યા બાદ પીએમ મોદી અને બેલ્જિયમના રાજા વચ્ચે વાતચીત થઈ. સૂત્રોના જણાવ્યા અનુસાર મેહુલ ચોકસીએ કથિત રીતે બેલ્જિયમમાં રહેઠાણ મેળવવા માટે ભ્રામક અને નકલી દસ્તાવેજાેનો ઉપયોગ કર્યો હતો, જેમાં તેની ભારતીય અને એન્ટિગુઆ નાગરિકતાની વિગતો છુપાવી હતી. અગાઉ ૨૦૧૭માં તેણે એન્ટિગુઆ અને બાર્બુડાની નાગરિકતા લીધી હતી.