પતંગ અને દોરી બજારમાં ખરીદી માટે પતંગ રસિયાઓની ભારે ભીડ
10, જાન્યુઆરી 2022


વડોદરા, તા.૯

કોરોનાના નવા ઓમિક્રોન વાયરસના સપાટા વચ્ચે ઉત્સવપ્રિય નગરી વડોદરામાં ઉત્તરાયણ પર્વને હવે ગણતરીના દિવસ બાકી છે ત્યારે તેની તૈયારીઓના ભાગરૂપે આજથી ધમધમાટ શરૂ થયો હતો. કોરોનાના કેસ વધી રહ્યા છે પણ પતંગ-દોરી બજારમાં તેજીનો માહોલ જાેવા મળ્યો હતો. એટલું જ નહીં, વેપારીઓએ શહેરના પતંગરસિયાઓનો શોખ પૂરો કરવા માટે માર્કેટમાં અવનવા પતંગોનો સ્ટોક ખકડી દેવામાં આવ્યો છે. જાે કે, આ વર્ષે પતંગ-દોરીઓના ભાવમાં પણ ર૦ થી રપ ટકાનો ઉછાળો આવ્યો હોવા છતાં લોકો કોરોનાની પરવા કર્યા વગર પતંદ-દોરી બજારમાં ખરીદી કરવા માટે લોકોની ભારે ભીડ જામી હતી. ઉત્તરાયણના પર્વને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, સાથે સાથે કોરોના-ઓમિક્રોનના કેસો પણ જેટ ગતિએ વધી રહ્યા છે અને સરકાર દ્વારા કોરોનાની ગાઈડલાઈન નક્કી કરાઈ છે અને કેટલાક પર પ્રતિબંધ લાદ્‌યો છે. જાે કે, પતંગ બજારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, આઈ લવ ઈન્ડિયા, તારક મહેતા કા ઊલટા ચશ્મા, કાર્ટૂન જેવા ચિત્રો અને ફિલ્મી અભિનેતા-અભિનેત્રીઓ સહિતના વૈવિધ્ય આકારના પતંગોએ પતંરરસિયાઓમાં ભારે આકર્ષણ જમાવ્યું છે. શહેરના હાર્દસમા માંડવી અને ગેંડીગેટ રોડ પર ઉત્સવપ્રિય નગરીમાં પ્રથમ રવિવારે કોરોનાની ગાઈડલાઈનનો સરેઆમ ભંગ કરી અને કોરોનાની સહેજ પણ પરવા કર્યા વગર લોકો પતંગ-દોરીની ખરીદી કરવા માટે ઉમટી પડયા હતા. એક તબક્કે આ રોડ લોકોથી ભારે ભીડને કારણે ટ્રાફિક જામની સમસ્યા ઊભી થઈ હતી અને વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. કેટલાક પથારાવાળાઓ દુકાનોની બહાર જ ફૂટપાથ ઉપર દબાણ કરીને બેસી જતાં પતંગ-દોરીની ખરીદી કરવા માટે આવેલા લોકો ચાલીને જવાની મુશ્કેલી અનુભવી રહ્યા હતા. તો બીજી તરફ કોરોનાની ગાઈડલાઈન જેવી કે સોશિયલ ડિસ્ટન્સ, તો કેટલાક માસ્ક વગર વેપારીઓ અને લોકો સરેઆમ ભંગ કરી રહ્યા હોવાનો નજરે પડયા હતા. દર વખતની જેમ ઉત્તરાયણના તહેવાર પૂર્વે પવનદેવ મહેરબાન થાય છે એ જ પ્રમાણે ઉત્તરાયણના તહેવારને ગણતરીના દિવસો બાકી રહ્યા છે તેવા સમયે શહેરમાં સૂસવાટા મારતા પવન શરૂ થતાં પતંગરસિયાઓમાં ઉત્તરાયણ ઉત્સવની ઉજવણીમાં વધુ ઉત્સાહિત જાેવા મળ્યા હતા. તો કેટલાકે આકાશીયુદ્ધ માટે રાતોના ઉજાગરા કરી પોતાની મનપસંદ રીલો સૂતાવવા માટેની તૈયારીઓ કરી દીધી હતી.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution