વડોદરા, તા.૧૩

રાજ્ય સરકારે ૧૦૦ ટકા જંત્રીનો ભાવવધારો ૧૫મી એપ્રિલ સુધી સ્થગિત રાખ્યો હતો, તેથી રજિસ્ટ્રાર કચેરીમાં ૧૫મી એપ્રિલ પહેલાં દસ્તાવેજ થાય તે માટે ભારે ભીડના દૃશ્યો જાેવા મળી રહ્યાં છે. રાજ્ય સરકારે બે માસ અગાઉ જંત્રીના દરમાં ૧૦૦ ટકાનો વધારો ઝીંકી દીધો હતો. જાે કે, બિલ્ડરો સહિત આમ નાગરિકોએ ભારે વિરોધ કર્યો હતો, જેથી જંત્રીના ભાવ વધારાનું અમલીકરણ ૧૫મી એપ્રિલ સુધી સ્થગિત કરવામાં આવ્યું હતું. જેથી લોકોને રાહત મળી હતી. જાે કે, આ બે માસ દરમિયાન દસ્તાવેજ કરવા માટે લોકોએ ભારે દોડધામ કરવી પડી હતી.

જાે કે, સરકાર પણ ૧૫મી એપ્રિલ પછી જંત્રીના દરનું ૧૦૦ ટકા અમલીકરણ કરવા મક્કમ જણાઈ રહી છે. તેથી છેલ્લી ઘડીએ દસ્તાવેજ માટે લોકો ભારે દોડધામ કરી રહ્યા છે. રજિસ્ટ્રાર કચેરીઓમાં પણ દસ્તાવેજ માટે ભારે ધસારો જાેવા મળી રહ્યો છે. કચેરીમાં પણ એક દિવસમાં ચોક્કસ સંખ્યામાં જ દસ્તાવેજ થઈ શકે છે તેથી કચેરી દ્વારા ઘણાને ટોકન પણ અપાય છે, જેથી આવા નાગરિકો ૧૫મી એપ્રિલ પછી પણ જૂની જંત્રી પ્રમાણે દસ્તાવેજ કરાવી શકે. બીજી તરફ સરકાર ૧૫મી એપ્રિલ પછી શું નિર્ણય લે છે તેના પર પણ સૌની મીટ મંડાઈ રહી છે. આ બધા વચ્ચે લોકોને જંત્રીના દર વધુ ચૂકવવા ન પડે તે માટે દસ્તાવેજ સહિતની કામગીરી માટે રજિસ્ટ્રાર કચેરીઓમાં ભારે ધસારો જાેવા મળી રહ્યો છે.