વડોદરા, તા.૨૯

જગતગુરુ શ્રીમદ્‌ વલ્લભાચાર્યજી મહાપ્રભુજીના ૫૪૫મા પ્રાદુર્ભાવ ઉત્સવ નિમિત્તે વૈષ્ણવાચાર્ય પૂ. વ્રજરાજકુમારજીની અધ્યક્ષતામાં આયોજિત વિરાટ વાહન રેલીના ઉદ્‌ઘાટક તરીકે ઉપસ્થિત રહેલા ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા અને ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલનું વડોદરા એરપોર્ટ પર પ્રદેશ મહામંત્રી ભાર્ગવ ભટ્ટ, મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી, રાજ્યમંત્રી મનીષા વકીલ, મેયર કેયુર રોકડિયા, સાંસદ રંજન ભટ્ટ, શહેર ભાજપ પ્રમુખ ડો. વિજય શાહ, ધારાસભ્યો અને અન્ય હોદ્દેદારોએ ભવ્ય સ્વાગત કર્યું હતું. એરપોર્ટથી તેઓ માંજલપુર ખાતે વ્રજધામ આધ્યાત્મિક સંકુલ ખાતે પહોંચ્યા હતા અને પૂ. વ્રજરાજકુમારજી સાથે વાર્તાલાપ કર્યો હતો. ત્યાર બાદ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા, પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ, પૂ. વ્રજરાજકુમારજી તેમજ ભાજપના તમામ અગ્રણીઓ નવલખી ખાતે વિશાળ વાહન રેલીને પ્રસ્થાન કરાવવાના કાર્યક્રમમાં પહોંચ્યા હતા, જ્યાં વીવાયઓ તેમજ અન્ય અગ્રણીઓએ જે.પી.નડ્ડાનું સ્વાગત કર્યું હતું.

વ્રજરાજકુમારજી અને ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ સંબોધન કર્યા બાદ વિશાળ વાહન રેલીને ફલેગ ઓફ કરી પ્રસ્થાન કરાવી તી. ૭ થી ૮ ફલોટ્‌સ અને મોટી સંખ્યામાં ટુ વ્હીલર સાથે ઉપસ્થિત વાહન રલીએ માર્ગો ઉપર ભારે આકર્ષણ જમાવ્યું હતું. રેલી નવલખી, કોઠી, રાવપુરા રોડ, ન્યાયમંદિર, ખંડેરાવ માર્કેટ, પેલેસ ગેટ, લાલબાગ થઈને માંજલપુર વ્રજધામ મંદિર ખાતે સંપન્ન થઈ હતી.

યમુના નદીને સ્વચ્છ-સંુદર બનાવવા અનુરોધ

વિરાટ વાહન રેલી પૂર્વે સંબોધન કરતાં વૈષ્ણાવાચાર્ય પૂ. વ્રજરાજકુમારજીએ કહ્યું હતું કે, વલ્લભાચાર્યજી મહાપ્રભુજી, શ્રીકૃષ્ણ, શ્રીનાથજી તમામનું મૂળ સ્થાન વ્રજભૂમિ રહી છે. યમુનાજીનું પુષ્ટિમાર્ગમાં વિશેષ મહત્ત્વ રહ્યું છે. દરેક વૈષ્ણવોના ઘરે શ્રીનાથજી, વલ્લભાચાર્ય મહાપ્રભુજી અને યમુનાજી એમ ત્રણ ચિત્ર બિરાજે છે. ત્યારે રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાના માધ્યમથી કેન્દ્ર સરકારને અનુરોધ કરતાં કહ્યું હતું કે, હરિયાણામાં યમુનાજીનું જળ રોકી દેવામાં આવ્યું છે. હથની કુંડ કરોડો વૈષ્ણવોની આસ્થાનું કેન્દ્ર છે. ઠકુરાની ઘાટ, ગોવિંદ ઘાટ ગોકુળમાં, મથુરામાં વિશ્રામ ઘાટ જ્યાં યમુનાજીનું મૂળ જળ પહોંચતું નથી. ભાઈબીજે લાખો લોકો અહીં આસ્થા સાથે સ્નાન કરે છે. અહીં યમુનામાં કેમિકલયુક્ત દૂષિત પાણી વહે છે ત્યારે યમુનાજીને સ્વચ્છ-સંુદર અને યમનોત્રીથી જે જળ આવે છે તે તીર્થસ્થાનો પર પહોંચે તેવો અનુરોધ કર્યો હતો. આ ઉપરાંત વિશ્વની સૌથી મોટી પાર્ટી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ વિશ્વના સૌથી મોટા ધાર્મિક સંસ્થા વીવાયઓના આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા તે માટે શુભેચ્છા પણ પાઠવી હતી.

વીવાયઓ દ્વારા સામાજિક ક્ષેત્રે પ્રશંસનીય કામગીરી કરાઈ રહી છે ઃ જે.પી.નડ્ડા

ઉપસ્થિત જનમેદનીને સંબોધતાં રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ જણાવ્યું હતું કે, વીવાયઓની ૧૮ દેશોમાં અને ભારતમાં ૬૦ જેટલી સંસ્થાઓ ચાલે છે કે જે સમાજસેવાનું કામ કરે છે. વીવાયઓ સંસ્થાએ અંધજનો એક લાખ જેટલી સ્માર્ટ સ્ટીક આપી સમાજસેવાનું અદ્‌ભુત કામ કર્યું છે. ગરીબ લોકોના શિક્ષણમાં, ગરીબ કન્યાઓને કન્યાદાન પણ વીવાયઓ સંસ્થા કરે છે. કોરોનાકાળમાં વલ્લભ યૂથ ઓર્ગેનાઈઝેશન સંસ્થાએ અદ્‌ભુત અને સરાહનીય કામ કર્યું છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકાસકાર્યોને પણ બિરદાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, સેવા, સ્નેહ અને સમર્પણના મૂળ મંત્ર સાથે કામ કરતી આ સંસ્થા સામાજિક વિષયોમાં પણ લોકોને જાગૃત કરવાનું કામ કરે છે. આ ઉપરાંત વોટર કન્ઝર્વેશન પર્યાવરણ ક્ષેત્રે પણ વીવાયઓ દ્વારા વિશેષ કામગીરી કરવામાં આવી રહી છે, તે ખૂબ જ પ્રશંસનીય કામગીરી છે. રાષ્ટ્રીય અધ્યક્ષ નડ્ડાએ વધુમાં એમ પણ કહ્યું હતું કે, શિક્ષા ક્ષેત્રમાં પણ સંસ્થા દ્વારા પ્રશંસનીય કામગીરી કરાઈ રહી છે, જ્યારે તેમણે કહ્યું કે યમુનાજીને સ્વચ્છ-સુંદર બનાવવાની વાત કેન્દ્ર સરકારને જરૂર કરીશ તેમ વધુમાં જણાવ્યું હતું.