દેશમાં તૈયાર થયેલી કોરોના વાયરસની બે રસીઓનું માનવ પરીક્ષણ શરૂઃ ICMR
15, જુલાઈ 2020

દિલ્હી

ભારતીય તબીબી સંશોધન પરિષદે કોરોના વાયરસની રસીનું દેશમાં માનવ પરીક્ષણ શરૂ કરી દેવામાં આવ્યું છે. ભારતમાં કોરોનાની બે રસીઓના માનવ પરીક્ષણ માટે લગભગ એક હજાર સ્વયંસેવકો સામેલ થયા છે. ભારતીય મેડિસિનના કન્ટ્રોલર જનરલે બે રસીઓના પહેલા અને બીજા ચરણના માનવ પરીક્ષણને પરવાનગી આપી દીધી છે. 

ભારતીય તબીબી સંશોધન પરિષદ (ICMR)ના ડાયરેક્ટર ડોક્ટર બલરામ ભાર્ગવે દેશમાં બનાવવામાં આવેલી બે રસીઓના સંદર્ભમાં કહ્યું કે, ભારત દુનિયામાં સૌથી વધારે રસીઓ બનાવતા દેશોમાંથી એક છે. તેથી કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટેની રસી બનાવવાની પ્રક્રિયાને ઝડપી કરવી તે દેશની નૈતિક ફરજ છે. 

ભારતીય મેડિસિનના કન્ટ્રોલર જનરલે જે બે રસીઓના પરીક્ષણ માટેની પરવાનગી આપી હતી તેમાંથી એક રસી ભારત બાયોટેક ઈન્ટરનેશનલ લિમિટેડે ભારતીય તબીબી સંશોધન પરિષદ (ICMR)ની સાથે મળીને વિકસાવી છે, જ્યારે બીજી રસી જાયડસ કેડિલા હેલ્થકેર લિમિટેડ દ્વારા તૈયાર કરવામાં આવી છે.

ICMRના ડાયરેક્ટર ડોક્ટર બલરામ ભાર્ગવે એક પ્રેસ બ્રીફિંગમાં કહ્યું કે ભારતમાં વિકસાવવામાં આવેલી બે રસીઓનું ઉંદરો અને સસલાઓમાં સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે. આ અંગેની માહિતી અમે ડીસીજીઆઈને સોંપી હતી ત્યારબાદ તેમણે આ બંને રસીઓને આ મહિનાના શરૂઆતી તબક્કામાં માનવ પરીક્ષણ કરવા માટેની પરવાનગી મળી હતી.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution