લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
14, મે 2026 |
2376
શહેરનાં પાંચ વેપારીઓ પાસેથી કાપડ ખરીદીમાં ૧.૮૩ કરોડનું ચીટિંગ કરનાર હૈદરાબાદની પેઢી સામે પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે. આર્થિક ગુના નિવારણ શાખા પાસે મળતી માહિતી અનુસાર રાંદેર રોડ ઉપર મલબાર હીર એપાર્ટમેન્ટમાં રહેતા ઇકરામ મોહમદ નુર કુરેશી કાપડનો વેપાર કરે છે. ન્યુ દિલ્હીનાં વતની ઇકરામ ફાલસાવાડી પાસે કુબેરજી ટેક્સ્ટાઇલ પાર્કમાં ઝારા શૂટ નામથી દુકાન ધરાવે છે. તેઓ માર્કેટનાં અલગ અલગ વિવર્સ, વેપારીઓ પાસે ડાઇડ કાપડ ખરીદી તેમાં એમ્બ્રોડરી તથા હેન્ડ વર્કનું કામ કરાવી લેડીઝ શુટ કાપડનો માલ તૈયાર કરાવે છે.
સુરેશ શંભુભાઇ ધોળીયા (રહે. હીરાબાગ) ઇકરામ કુરેશીને મળવા ગયા હતાં. તેણે હું ઘણા વર્ષોથી સુરત ટેક્સ્ટાઇલ માર્કેટમાં સ્મિત ફેશનનાં નામથી કાપડ વેચાણ સાથે દલાલીનું કામ કરતો આવ્યો છું. મારી પાસે અલગ અલગ રાજ્યોના મોટા વેપારીઓ અને પેઢીઓ છે. તમે મારા હસ્તક તેમને માલ આપશો તો ૬૦ દિવસમાં પેમેન્ટની જવાબદારી મારી રહેશે એવી વાત કરી હતી. ત્યારબાદ ધોળીયા એક વેપારી મોહમદ ગોસ ખાન વાળાને લઇ ઇકરામ પાસે ગયો હતો.
મોહમદ ગોસ ખાને તેઓ હૈદરાબાદમાં સેફેરોન ડિઝાઇનર નામથી વેપાર ધંધો કરતા હોવાનું જણાવ્યું હતું. મોહમદ ગોસ ખાને સમયસર પેમેન્ટ આપવાનું તથા દલાલ સુરેશભાઇ ધોળીયાએ પમેન્ટની જવાબદારી લીધી હોય ઇકરામ તેમને માલ આપવા તૈયાર થયા હતાં. પ્રથમ એક બે ઓર્ડરમાં સમય મર્યાદામાં પેમેન્ટ ચૂકવી તેણે વિશ્વાસ ભરોસો બેસાડ્યો હતો.ત્યારબાદ તેઓએ ૫૧, ૦૭, ૭૫૭ રૂપિયા કિંમતનો લેડીસ શૂટ કાપડ ખરીદ્યું હતું. પહેલા વાયદા કર્યા બાદ મોહમ્મદ ગોસ ખાને કોલ રિસિવ કરવાના પણ બંધ કર્યા હતાં. જેઈ ઇકરામે હૈદરાબાદના અન્ય વેપારીઓ હસ્તક તેના વેપારી મોહમદ ગોસ ખાનનો સંપર્ક કરતાં તેણે મે, ૨૦૨૫ સુધીમાં પેમેન્ટ કરીશ એવો એગ્રીમેન્ટ કરી આપવા સાથે ૧૦ ચેક પણ લખી આપ્યા હતાં. જાે કે, નિયત તારીખે ચેક બેંકમાં ડિપોઝીટ કરાયા તો તે રિટર્ન થયા હતાં. દલાલ સુરેશ ધોળીયાનો સંપર્ક કરાયો તે વેપારીને આગળથી પેમેન્ટ આવ્યું નથી એવા ઉડાઉ જવાબ આપ્યા હતાં. માર્કેટમાં તપાસ કરાતાં દલાલ સુરેશ ધોળીયાએ જાના કોટન્સનાં જયેશકુમાર મનોહરલાલ ચાંદવાની પાસે ૧૬,૧૫,૫૭૮નો માલ, અલખ શૂટ્સના મેહુલ ભરતભાઇ પટેલ પાસે ૩૪,૭૯,૭૪૮ રૂપિયાનો, ડીપ્સી ટ્રેન્ડ્ઝનાં અમિત ઘિસુલાલ રાંકા પાસેથી ૨૭,૪૮,૪૯૧ કિંમતનો તથા મધુરમ શૂટસમાંથી ૫૩,૪૧, ૯૪૩ મળી કુલ ૧,૩૧,૮૫,૭૬૦ કિંમતનો માલ હૈદરાબાદના વેપારી મોહમદ ગોસ ખાનને ઉધારમાં વૈચાણ કરાવી પેમેન્ટ કરાવ્યું ન હોવાનું બહાર આવ્યું હતું. આ રીતે કુલ ૧.૮૩ કરોડનું ફ્રોડ કરનારા દલાલ અને વેપારી સામે ઇકરામ કુરેશીએ ફરિયાદ આપી હતી.