વડોદરા-

ઓનલાઇન છેતરપિંડી આચરવાના કિસ્સાઓ દિવસેને દિવસે વધી રહ્યા છે, ત્યારે ઓનલાઇન છેતરપિંડનો વધુ એક બનાવ સામે આવ્યો છે. વડોદરાના યુવકને ઘરમાં દુષ્ટ આત્માઓનો છાયો હોવાનું જણાવીને અલગ-અલગ વિધિના બહાને ઓનલાઇન ૯૬.૭૬ લાખ ટુકડે-ટુકડે પડાવી છેતરપિંડી આચરવાનો બનાવ વડોદરા સાઈબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે. ફરિયાદના આધારે પોલીસે આ મામલે મોબાઇલ નંબર ધારક, બેન્ક એકાઉન્ટ ધારક અને જ્યોતિષ સહિત ૧૬ શખસો વિરૂદ્ધ છેતરપિંડી સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.

વડોદરા શહેરના સુભાનપુરા વિસ્તારમાં આવેલી સોસાયટીમાં રહેતા દિપકકુમાર શાહે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૧૮થી ૨૦૨૧ દરમિયાન અલગ-અલગ નામે જેમકે વૈદિક નારાયણ જ્યોતિષના આચાર્ય કમલ દેવ, મહાગુરુજી, બ્રાહ્મઋષિજી,(કૃષ્ણ શાસ્ત્રી), પુષ્કળજી, રાહુલજી, બ્રાહ્મઋષિજી નેપાળવાળા(દયાનંદજી), દિપક શાસ્ત્રી નામે ફરિયાદી સાથે વાત કરીને જણાવ્યું હતું કે, તમારા ૩૫થી ૪૦ વર્ષની કન્યા સાથે લગ્ન થશે અને તમને પુત્ર સંતાનનો પણ યોગ છે. તેમ જણાવી વિશ્વાસ કેળવ્યો હતો. ત્યારબાદ કુટુંબ ઉપર દુષ્ટ આત્માઓનો છાયો હોવાનું જણાવ્યું હતું. જેના કારણે તમારા કુટુંબના દરેક સભ્યોના જીવને જાેખમ છે. આ દુષ્ટ આત્માને શાંત કરવા માટે અઘોરી બ્રાહ્મણોને બોલાવી પશુની રક્તબલી ચડાવી પડશે. સ્થાપના વિધિ માટે તેમજ ગયેલા રૂપિયા પરત આપવાના બહાને ફરિયાદી પાસેથી ટુકડે-ટુકડે કુલ ૯૬,૭૬,૧૯૬ રૂપિયા ઓનલાઇન ટ્રાન્સફર કરાવી લઇ છેતરપીંડી આચરી હતી. આ મામલે વડોદરા સાઈબર ક્રાઇમ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.